ખેરગામ: હાલમાં જ ખેરગામ તાલુકામાંથી L&T ફાયનાન્સ કંપનીમાં ફરજ બજાવતા બે કર્મચારીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને 31 મહિલા ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ખેરગામ પોલીસ ચોપડે નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ખેરગામના રૂમલા સ્થિત સુથારવાડમાં આવેલી L&T ફાયનાન્સ કંપનીની ઓફિસમાં ખેરગામ સહયોગ સોસાયટી, દેસાઈવાડ ખાતે રહેતા અંકિત અને ખેરગામ પોસ્ટ ઓફિસ પાસે રહેતા સુનિલ નામના બે શખ્સોએ લોન ધરાવતી 31 મહિલા ગ્રાહકોનો સંપર્ક કર્યો હતો. ગ્રાહકો જ્યારે પોતાની લોન વહેલી પૂર્ણ કરવા માટે નાણાં લઈને આવ્યા, ત્યારે આ મહિલાઓ પાસેથી કુલ રૂ.8,37,851ની રોકડ રકમ લઇ ગ્રાહકોને વિશ્વાસમાં લેવા માટે કંપનીના નામે ખોટી અને બનાવટી પાવતીઓ બનાવીને આપી દીધી હતી. જો કે, આ રકમ કંપનીના સત્તાવાર લોન એકાઉન્ટમાં જમા કરાવવાને બદલે બંને કર્મચારીઓએ પરસ્પર મિલીભગત કરી પોતાના અંગત વપરાશ માટે વાપરી નાંખી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
આ વાત બહાર ત્યારે આવી જયારે ગ્રાહકોના ખાતામાં લોન બાકી હોવાનું જણાયું, આ બાબતે અંકિત શંકરભાઇ પટેલે ખેરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ઈસમો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.











