નાનાપોંઢા: આજરોજ નાનાપોંઢા તાલુકામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જનસભા સંબોધતા કહ્યું કે હંમેશા આદિવાસી સમાજના લોકોમાં હિન્દુ-ખ્રિસ્તી વિવાદ ઉભો કરી મૂળ પ્રશ્નોથી ધ્યાન ભટકાવવાની ભાજપની નીતિ રહી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને કહ્યું કે કમળનું બટન દબાવીને ત્રીસ વર્ષ સુધી તાલુકામાં, જિલ્લામાં, ધારાસભ્ય, સાંસદ, બધી જગ્યાએ એમની સરકાર તમે બનાવી આપી છે. હવે આજે ખબર પડી ગઈ ને શું થાય? આજે અહીંયા કોઈપણ પ્રોજેક્ટ લાવવો હોય, કોઈપણ કંપનીને જમીન આપવી હોય, તો ભારતીય જનતા પાર્ટી આપણને સંવિધાનમાં મળેલા અધિકારોમાં માનતી નથી. તેમની મનમાની કરે છે, તેમના સત્તામાં બેઠેલા મંત્રી, ધારાસભ્ય, જિલ્લાના પ્રમુખો કંપનીઓ પાસે પૈસા લઈને બારોબાર પ્રોજેક્ટને મંજૂરી આપી દે છે. ભલે પછી ગ્રામસભાની નામંજૂરનો ઠરાવ કરે, ખેડૂતો વિરોધ કરે, અમે બેઠા છીએ તમે પ્રોજેક્ટ લાવી દો. તેમ મનમાની કરે છે. ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવું પડશે આ દેશ સંવિધાનથી ચાલવો જોઈએ, નહીં કે નરેન્દ્ર મોદી કે અમિત શાહના આદેશથી,
તેમણે વધુમાં કહ્યું કે આપણને હિન્દુ ખ્રિસ્તીમાં લડાવે છે. આ વિસ્તારમાં હિન્દુ ખ્રિસ્તીના નામે લડાવાની વાત આ લોકો કરે છે. ત્યારે એવા લોકોને કહેવાનું છે તમે શિક્ષણની વાત કરો, રોજગારની વાત કરો, અમારી મૂળભૂત સુવિધાની વાત કરો. આવા લોકો હિન્દુ ખ્રિસ્તીમાં લડાવનારા જે પણ લોકો છે તેવા આરએસએસના અને ભાજપના લોકોને ઓળખી લેવાની જરૂર છે. માનવ ધર્મ એ પહેલો ધર્મ છે. આ ધરતી પર પહેલા આદિવાસી આવ્યો પછી બધા ધર્મ આવ્યા છે. આદિવાસીની સંસ્કૃતિ એ ધર્મપૂર્વી સંસ્કૃતિ છે. આદિવાસી એ પ્રાકૃતિક પૂજક છે. જે દિવસે આદિવાસી પોતાની સભ્યતા અને સંસ્કૃતિ ભૂલી જશે એ દિવસે આદિવાસીઓના અનામત અને જે પણ અધિકારો મળ્યા છે જળ, જંગલ, જમીન પરના અધિકારો પણ સમાપ્ત થઇ જશે.











