રાષ્ટ્રીય: ‘વિશ્વગુરુ’નું મિથ્યાભિમાન શા માટે ? 2011 થી 2024 ની વચ્ચે, ભારતમાં 20 લાખથી વધુ ભારતીયોએ પોતાની નાગરિકતાનો ત્યાગ કર્યો છે ! સંસદના શિયાળુ સત્ર દરમિયાન, કેન્દ્ર સરકારે સંસદને જાણ કરી કે છેલ્લા પાંચ વર્ષમાં આશરે 10 લાખ ભારતીયોએ તેમની નાગરિકતાનો ત્યાગ કર્યો છે. આનો અર્થ એ થયો કે દર વર્ષે સરેરાશ 2 લાખ ભારતીયો તેમની નાગરિકતાનો ત્યાગ કરી રહ્યા છે.
આ પાછળનું કારણ શું છે? લોકો ભારતને બદલે અન્ય દેશોમાં રહેવાનું કેમ પસંદ કરી રહ્યા છે? સૌથી મહત્વપૂર્ણ કારણ વધુ સારા જીવનની શોધ છે. મોટાભાગના લોકો કામ, સારી કારકિર્દી અને વધુ પૈસાની શોધમાં વિદેશ જાય છે. તેઓ અન્ય દેશોમાં ઘણા લાભોનો આનંદ માણે છે જે ભારતમાં ઉપલબ્ધ નથી.
ભારતમાં બેવડી નાગરિકતાનો અભાવ એ એક મુખ્ય કારણ છે. લોકો તેમના ભારતીય પાસપોર્ટનો ત્યાગ કરી દે છે. US, UK અને કેનેડા જેવા દેશો બેવડી નાગરિકતા આપે છે. ત્યાં નાગરિકતા મેળવવાથી ઘણા અન્ય ફાયદાઓ મળે છે. જ્યારે કોઈ ભારતીય નાગરિક સ્વેચ્છાએ બીજા દેશમાં નાગરિકતા મેળવે છે, ત્યારે તેમની ભારતીય નાગરિકતા આપમેળે જતી રહે છે અને તેમનો પાસપોર્ટ અમાન્ય થઈ જાય છે. આ જોગવાઈ નાગરિકતા અધિનિયમ 1955 ની કલમ-9 માં છે. જોકે ભારત OCI-ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયાનો દરજ્જો આપે છે, તે નાગરિકતાનો ત્યાગ કરનારાઓને વિઝા-મુક્ત મુસાફરી અને મર્યાદિત આર્થિક અધિકારો આપે છે, પરંતુ તે કોઈ રાજકીય અધિકારો પ્રદાન કરતું નથી. OCI ધારકો મતદાન કરી શકતા નથી કે ચૂંટણી લડી શકતા નથી.
થોડાં મુદ્દાઓ :
[1] ભારતના કોઈ નાગરિક ઈચ્છે એટલે વિદેશ જઈ શકતા નથી, જો એવું શક્ય હોય તો દર મહિને 2 લાખ લોકો વિદેશમાં વસવાટ કરે ! મતલબ કે ભારતમાં પોતાનું ભવિષ્ય સલામત લાગતું નથી.
[2] ખાસ કરીને યુવાનોને રોજગારી મેળવવી મુશ્કેલ છે એટલે યુવાનો વિદેશ જવા આતુર હોય છે.
[3] યુવાનો શિક્ષણ માટે વિદેશ જાય છે. મતલબ કે અહીંનું શિક્ષણ તેમને સ્તરહીન લાગે છે. સામાજિક સલામતીનો અભાવ લાગે છે. ભેદભાવથી મુક્તિ મેળવવાની ઈચ્છાથી તેઓ વિદેશ જાય છે. મતલબ કે આપણે સામાજિક સલામતીમાં ઘણાં પાછળ છીએ. અહીં પોલીસ ફરિયાદ નોંધતી નથી. આપણે ભેદભાવ દૂર કરી શક્યા નથી. આપણું તંત્ર માનવીય ગૌરવની જાળવણી પ્રત્યે બેદરકાર છે.
[4] ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કેટલી ગ્લોબલ સમિટ કરી/ કરોડો કરોડો રુપિયાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્તો/ લોકાર્પણ/ ઉદ્ઘાટનો છતાં વિકાસ કરતા ભ્રષ્ટાચાર વધુ દેખાય છે. ‘વંદે માતરમ્’માં માનનારા યુવાનો કોઈપણ ભોગે વિદેશ જવા તલપાપડ છે ! BJP નેતાઓના સંતાનો/ IAS-IPS, જજ, વર્ગ 1-2ના અધિકારીઓ, કોર્પોરેટ કથાકારો, ડાયરા કલાકારો, ચાપલૂસ લેખકો, ગોદી પત્રકારોના સંતાનો વિદેશમાં ભણે છે અને વિદેશમાં વસવાટની તકો શોધે છે, કેમકે આપણો વિકાસ કુપોષિત છે ! સવાલ એ છે કે અનેક મર્યાદાઓ છતાં, દર વર્ષે 2 લાખ ભારતીયો જો પોતાની નાગરિકતા છોડી દેતા હોય તો ‘વિશ્વગુરુ’નું મિથ્યાભિમાન શા માટે ? [સૌજન્ય : લલનટોપ, 18 ડીસેમ્બર 2025]
BY: રમેશ સવાણી











