ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામે જયપાલસિંહ ચેરિટેબલ ટ્રસ્ટના પરિવાર દ્વારા પ્રથમવાર આયોજિત કબડ્ડી ટુર્નામેન્ટે યુવાનોમાં અપાર આકર્ષણ જમાવ્યું હતું. બરડાના મેદાનમાં આખી રાત ચાલેલી આ ટુર્નામેન્ટમાં ધરમપુર, ઉમરગામ સહિત કુલ ૧૮ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં સુરત સિટીની ટીમે વિજેતા બનીને ટ્રોફી પર કબજો જમાવ્યો.

આ ટુર્નામેન્ટનું આયોજન જયપાલસિંહ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી શિવાની ચૌધરી, ટ્રસ્ટી સુનિલ માહલા, ઉરવેશ ગાયકવાડ, આયોજક સૌરભ ગાંવિત, આશિષ દેસાઈ અને કેયુર ચૌધરી તેમજ માંડખડ ગામના સરપંચ વલ્લભભાઈ ચૌધરી અને પત્રકાર અવિનાશ પટેલના સહયોગથી કરવામાં આવ્યું હતું.

મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલ, ડો. ભાવેશ દેશમુખ, સુરત ટાઉનપ્લાનર વિરલ પટેલ, દમણગંગા નાયબ કાર્યપાલક ઈજનેર ઓજસ માહલા, ડો. ચંદ્રકાન્ત પટેલ, ભાજપ આગેવાન ગણપત માહલા, ઈરીગેશન ઈજનેર સંદીપભાઈ, ઈજનેર પ્રિયાંક પટેલ, પીપલખેડના ઓફસેટ પ્રિન્ટર દિનેશભાઈ માહલા, કોંગ્રેસના મહિલા આગેવાન ભગવતીબેન માહલા તથા પીપલખેડ ગામના સરપંચ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ડો. નિરવ ભુલાભાઈ પટેલે યુવાનોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે, ભારતની 143 કરોડ વસ્તીમાં લગભગ 40 કરોડ લોકો ક્રિકેટ રમે છે, પરંતુ રાષ્ટ્રીય ટીમમાં માત્ર 11 જ ખેલાડીઓની પસંદગી થાય છે. જ્યારે કબડ્ડી જેવી પરંપરાગત રમતો તરફ ધ્યાન આપીએ તો મેજર ધ્યાનચંદ, સરિતા ગાયકવાડ, મુરલી ગાંવિત, નીરજ ચોપરા, હિમા દાસ કે અભિનવ બિંદ્રા જેવા ખેલાડી બનીને વિશ્વમાં દેશનું નામ રોશન કરી શકીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે, મતભેદોને ભૂલીને સમાજ અને દેશ માટે એક થવું જોઈએ.

આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમાજના યુવાનોમાં છુપાયેલા કૌશલ્યને બહાર લાવવું અને રમતગમતમાં આગળ વધવા માટે પ્લેટફોર્મ પૂરો પાડવાનો હતો. આયોજકોએ આગામી સમયમાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here