ગુજરાત: કહેવાય છે કે નિતીન પટેલને મુખ્યમંત્રી બનવું હતું. પરંતુ તે સ્વપ્ન અધૂરું જ રહી ગયું. તેના બદલે ભાજપે તેમને નાયબ મુખ્યમંત્રીનું પદ આપ્યું, જે જાણે નાના બાળકને રડતું રોકવા ચોકલેટ આપી દેવા સમાન જ હતું. કદાચ એ જ કારણ છે કે ત્યારથી લઈને આજદિન સુધી તેઓ બોખલાઈ ગયાં હોય તેમ વારંવાર તર્કહિન અને વિવાદાસ્પદ નિવેદનો આપતાં રહે છે. કોઈ એક ચોક્કસ સમાજને ખુશ કરવા અને બીજા સમાજને ઉશ્કેરવા માટેના આવા નિવેદનો તેમની ઓળખ બની ચૂક્યા છે. આજે પણ તેમણે ફરી એકવાર પોતાની “બુદ્ધિ”નું પ્રદર્શન કર્યું છે. પ્રશ્ન એ છે કે, જાતિવાદ પર તો કંઈક બોલો ક્યાં સુધી મિશનરીઓના નામે રોદણાં રડવાનું કરશો?
ઈતિહાસ ભણ્યાં ન હોય એટલે મારે ઈતિહાસના વિધાર્થી તરીકે અભણ નિતીન પટેલને કહેવાનું થાય છે કે ભારતમાં ખ્રિસ્તી અંગ્રેજોએ ૧૯૦ વર્ષથી વધુ શાસન કર્યું, તો શું આખું ભારત ખ્રિસ્તી થઈ ગયું? મોગલોએ લગભગ ૩૦૦ વર્ષ રાજ કર્યું, તો શું બધાં ભારતીયો મુસ્લિમ બની ગયા? વારેઘડીએ તર્કહીન નિવેદનો આપીને બુદ્ધિનું પ્રદર્શન કરનાર નિતીન પટેલને ગળે આ ઉતરશ?
તમારા જ કહેવાતા હિન્દુ સમાજે દલિતો સાથે જાતિવાદના નામે શું કર્યું એ ભૂલી ગયા? આદિવાસીઓ સાથેનું શું વર્તન થયું એ યાદ કરાવવું પડશે મારે? જ્યારે દલિતોને માણસ પણ ગણવામાં નહોતા આવતા, ત્યારે તમારી હિન્દુ એકતા ક્યાં જતી હતી? આજે પણ દલિતોને ઘોડા પર બેસતા રોકવામાં આવે છે અથવા તો આ પ્રકારનના અત્યાચારો થાય છે ત્યારે કેમ એક શબ્દ મોંમાંથી નથી નિકળતો નિતીનકાકા? જ્યારે દલિતો અને આદિવાસીઓ પર અત્યાચાર થાય છે ત્યારે તમારી ફાંકા ફોજદારી ક્યાં ગાયબ થઈ જાય છે? આટલાં વર્ષો સુધી શાસન કર્યા પછી પણ તમે આદિવાસીઓને શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની સગવડો આપી શક્યા નથી. ત્યારે ખ્રિસ્તી મિશનરીઓ એ વિસ્તારોમાં પહોંચીને શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓ આપે છે એ તમને કેમ ખટકે છે? આટલાં વર્ષો સુધી દલિતો પર જાતિવાદના નામે અત્યાચાર કર્યા તેના પર તમારી શું વિશેષ ટિપ્પણી છે તે પણ કહો.
નિતિનકાક તમારું મન હજીયે દલિત-આદિવાસીઓને પછાત જ રાખવાનું છે. તમે પોતે કશું કરો નહીં અને કોઈ કરે તો પણ વાંધો. ચાલો, માની લઈએ કે ક્યાંક લોભ-લાલચથી ધર્મપરિવર્તન થાય છે—તો પછી તમે જ એટલી સુવિધાઓ આપી દો કે કોઈને લોભ-લાલચની જરૂર જ ન રહે!
ખૂબ અફસોસ સાથે કહેવું પડે છે કે નિતીન પટેલ જેવા ઝેરીલા વિચારો ધરાવતા નેતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી રહ્યા.
શું બોલ્યા કાકા આજે તેનો સારાંશ :
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરમાં ધર્મ પરિવર્તન પર મોટું નિવેદન આપી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે ખ્રિસ્તીઓની સંખ્યા વધી રહી છે. હિન્દુઓને ફોસલાવીને ધર્માતરણ કરવામાં આવે છે. આપણી વસતી ઘટતી જાય છે કારણ કે આપણામાં વિભાજન છે. મહેસાણાના કડીના બુડાસણમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલ ખાતે સભા ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી. આ સભામાં તેમણે ધર્માંતરણ મુદ્દે વાત કરી હતી.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે ‘આપણને ખબર પડી છે કે છેલ્લા 30 કે 40 વર્ષથી કે આપણે (હિન્દુ) ઘટતા જઈએ છીએ, આપણાંમાં વિભાજન છે. ખ્રિસ્તીઓની વસતી વધી રહી છે. મુસ્લિમ એક અલગ વિષય છે તેને ખ્રિસ્તીઑ સાથે જોડવાની જરૂર નથી. એક આતંકવાદીઓનો પક્ષધર, વિદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે. અને એક ફોસલાવી, હાથ ફેરવી અને પટાવીને ધર્માંતરણ કરાવનારા લોકો છે. બંનેનું લક્ષ્ય તો એક જ છે કે ગમે તેમ કરીને હિન્દુઓને ઓછા કરવા, હિન્દુ ધર્મ પણ વર્ચસ્વ જમાવવું, આ માટે ખ્રિસ્તી ધર્મના કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરાવે છે.’
વર્ચસ્વ જમાવવા માટે ખ્રિસ્તી મિશનરી બહુ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે. નિશાળ કરે, કપડાં આપે, દવાખાનું ખોલે, હોસ્ટેલ ખોલે અને પેલા લોકો હિંસક રીતે એક જ વાત કરીને એમનું કામ કરે છે. બંનેમાં એક આતંકવાદીઓ અને દેશદ્રોહીઓનો પક્ષ છે’
BY: નેલ્સન પરમાર











