ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળના ‘જ્ઞાનકુંજ’ કાર્યક્રમ શાળાના વર્ગખંડોમાં ટેકનોલોજીના સાધનો, જેમ કે પ્રોજેક્ટર, ઇન્ટરેક્ટિવ ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, વ્હાઇટબોર્ડ, વાઇ-ફાઇ રાઉટર એક્સ્ટેન્ડર વગેરેની મદદથી ઇન્ટરેક્ટિવિટી અને શિક્ષણ-અધ્યાપન પ્રક્રિયાને વધારવા માટેનો એક શાળા ડિજિટલાઇઝેશન કાર્યક્રમ 2017માં શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં શાળા કક્ષાએ ટેકનોલોજી દ્વારા વિકસિત સ્માર્ટ બોર્ડ સાથેનો ઇન્ટરેક્ટિવ ઇ-ક્લાસ તૈયાર કરવામાં આવે છે.

આમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો પર્દાફાશ દિવ્યભાસ્કરના પત્રકાર ટિકેન્દ્ર રાવલે 12 ડીસેમ્બર 2025ના રોજ કર્યો છે. ગુજરાતના શિક્ષણ વિભાગ હેઠળ આવેલી વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા નિવૃત્ત IAS સુજિત ગુલાટીની કંપની ArMee Infotech-આર્મી ઇન્ફોટેકને 2023માં 70 હજાર સ્માર્ટ કલાસ માટે 596 કરોડનો જંગી કોન્ટ્રાકટ આપી દેવાયો હતો. ત્યાર બાદ 2025માં ફરી 43 હજાર ક્લાસરૂમનો 372 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એટલેકે એક જ કંપનીને ચાર વર્ષમાં 968 કરોડના કોન્ટ્રાક્ટ આપવામાં આવતા 100 કરોડનું ટર્ન ઓવર ધરાવતી કંપની હાલ 1 હજાર કરોડથી વધુનું ટર્નઓવર કરી રહી છે.

100 કરોડનું ટર્ન ઓવર ધરાવતી આર્મી ઇન્ફોટેક કંપનીને 500 કરોડનો કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો ! 2023માં આર્મી ઇન્ફોટેક કંપનીને 85,197 રૂપિયામાં 70,000 કલાસરૂમ તૈયાર કરવા એટલે કે 596 કરોડ રૂપિયાનું કામ આપવામાં આવ્યું હતું. 2025માં વધુ 43,750 ક્લાસરૂમનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેના કારણે રોકેટ ગતિએ કંપનીના ટર્ન ઓવરમાં વધારો થયો :2021માં 105 કરોડ/ 2022માં 125 કરોડ/ 2023માં 515 કરોડ/ 2024માં 1007 કરોડ !

બીજી તરફ 11 ડીસેમ્બર 2025ના રોજ BBC ગુજરાતીના જણાવ્યા મુજબ ગુજરાતમાં 1.05 લાખ બાળકીઓએ શાળાએ જવાનું જ બંધ કરી દીધું ! છેલ્લા બે વર્ષ મા ગુજરાતમાં 2 લાખ 40 હજાર બાળકોએ સ્કૂલ છોડી ! આખા દેશ માં શિક્ષણ છોડનાર બાળકોમાં ગુજરાત પ્રથમ નંબર પર છે. પ્રાઈવેટ સ્કૂલોના શિક્ષણ માફિયાઓનો ભયંકર ત્રાસ છે. ગરીબના બાળકો શિક્ષણ મેળવે તેવું સરકાર ઈચ્છતી નથી, ગરીબના બાળકો મજૂર જ બનવા જોઈએ તેવી સરકારની નીતિ છે ! બાળકો ભણશે તો પ્રશ્નો પૂછશે, કદાચ આ ડર પણ હોય ! ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવના નાટક પછી પણ ડ્રોપઆઉટ રેટમાં 341%નો વધારો ! નથી મુખ્યમંત્રીને ચિંતા કે નથી ધારાસભ્યોને ચિંતા ! જો આવું જ ચાલશે તો આગળ જતાં ક્રાઈમ વધશે અને વિશાળ જેલો ઊભી કરવી પડશે !

સવાલ એ છે કે ભગતસિંહ/ ગાંધીજી/ નેહરુ/ સરદાર પટેલ/ ડો. આંબેડકર વગેરે નેતાઓ સ્માર્ટ ક્લાસ વિના જ શિક્ષણ મેળવી શક્યા હતા, તો માત્ર આધુનિક સાધનોથી શિક્ષણ મેળવી શકાય તેવું ગતકડું આ કૌભાંડી IAS અધિકારીએ જ સરકારના મગજમાં ઘુસાડ્યું હશે ને ?

BY: રમેશ સવાણી