થરાદ: થરાદ ખાતે થરાદ-રાહ અને લાખણી તાલુકાના ઠાકોર સમાજ દ્વારા બંધારણ અને સ્નેહમિલન કાર્યક્રમનું 8 ડીસેમ્બર 2025ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સંસદસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે
“હવે દીકરીઓ અને બહેનોએ દશામાંના વ્રત કરવાની કોઈ જરૂર નથી. બીજા સમાજને ક્યારેય દશામાં નડતા નથી, તો માત્ર આપણને જ કેમ નડે છે? આવા વ્રતો કરીને આપણે સામે ચાલીને ઘરમાં ‘દશા’ બેસાડીએ છીએ. જો કોઈને દશામાં નડતા હોય તો તેમને મારી પાસે મોકલી દેજો, હું એકલી જ ગાડીમાં ફરું છું, તો દશામાં પણ મારી સાથે ગાડીમાં ફરશે. ભલે મને નડે, તમને કોઈને નહીં નડે. મહેરબાની કરીને કોઈ ભુવાઓમાં ફસાતા નહીં. તમારું જેવું કર્મ હશે એવું ભોગવશો. ભુવાઓ તમને વહેમમાં નાંખીને આર્થિક અને સામાજિક બરબાદ કરીને કુટુંબ બરબાદ કરશે. કોઈપણ પ્રકારનું દુઃખ હોય તો ડોકટરને બતાવવું. સગા વહાલાઓ અને મિત્રોને કહેવાનું પણ ક્યાંય અંધશ્રદ્ધામાં આવવાનું નહીં. જો ભુવા અને ભોપા ધારે તે કામ કરી શકતા હોત અને દુઃખ મટાડી શકતા હોત, તો હું અને ધારાસભ્ય કેશાજી અમારું તમામ કામ છોડીને માત્ર ભુવાની બાધા રાખીને બેસી જતા. અમારે ચૂંટણી જીતવા માટે ફોર્મ ભરવાની કે પ્રચાર કરવાની શું જરૂર? સીધા ભુવાને કહી દેત તો જીતી જત. અમે સવારે 05:00 વાગ્યાથી રાત સુધી માથામાં ધૂળ ભરાય ત્યાં સુધી મહેનત કરીએ છીએ, કારણ કે કમાવવા કે સફળ થવા માટે પુરુષાર્થ સિવાય કોઈ વિકલ્પ નથી. ભુવાગીરી એ માત્ર કમાવવાનું સાધન છે, એટલે તેનાથી દૂર રહેવું.”
થોડાં મુદ્દાઓ :
[1] ગુજરાતના 26 સંસદસભ્યો છે, 182 ધારાસભ્યો છે, તેમાંથી એકમાત્ર ગેનીબેને સમાજમા વ્યાપેલી અંધશ્રદ્ધાઓ, સમાજના કુરિવાજો અને જૂની ખોટી પ્રથાઓને બંધ કરવા આહવાન કર્યું. બીજાના મોંને શું લકવો થઈ ગયો છે? સમાજમાં પ્રગતિશીલ મૂલ્યો દ્રઢ બને તે માટે બંધારણના આર્ટિકલ-51A(h) હેઠળ મૂળભૂત ફરજ બજાવવાનું કામ તો સૌપ્રથમ લોકોના પ્રતિનિધિઓએ બજાવવાની હોય કે નહીં?
[2] ગેનીબેન અંધશ્રદ્ધા મુક્તિની વાત કરી તેથી ‘ભૂવા મંડળો’ને પેટમાં દુઃખાવો ઉપડ્યો છે. સ્વાભાવિક છે કે જો લોકો જાગૃત બની જાય તો ભૂવાઓને કપાસ વીણવા જવું પડે/ મજૂરીએ વળગી જવું પડે ! જે ભૂવાઓ ગેનીબેનનો વિરોધ કરે તેમને ઓળખી લો, તેઓ સમાજને પછાત બનાવે છે. તેઓ લોકોને ધર્મભીરુ બનાવી સત્તાપક્ષના એજન્ટની ભૂમિકા ભજવે છે-સીધી રીતે કે આડકતરી રીતે.
[3] રાજકારણ રહેવું અને પાખંડનો વિરોધ કરવો તે ખૂબ મોટી નૈતિક હિમ્મત માંગી લે છે, સામાન્ય રીતે રેશનલ વાતો કરનારા પણ મત મેળવવા તિલક-ચાંદલા કરવા લાગે છે, મંદિર મંદિર ફરે છે, બાપુ દેખી પગે પડે છે ! ધાર્મિક નારા લગાવવા માંડે છે. આ સંજોગોમાં ગેનીબેન અંધશ્રદ્ધા પર સખ્ત પ્રહાર કર્યો છે, તે તેમણે બંધારણીય ફરજ બજાવીને બીજા હાડપિંજર સમાન સંસદસભ્યો/ ધારાસભ્યોને ઢંઢોળ્યા છે.
[4] ગેનીબેન અંધશ્રદ્ધા સામે બોલ્યા; બીજા સંસદસભ્યો/ ધારાસભ્યો ચૂપ કેમ છે? જેઓ અંધશ્રદ્ધાનો વિરોધ કરતા નથી તેઓ ભલે સંસદસભ્ય કે ધારાસભ્ય હોય; તેમને ‘મોટો ભૂવો’ જ સમજવો જોઈએ !
[5] ગેનીબેને ક્રાંતિકારી વાત કરી છે, વૈજ્ઞાનિક મિજાજની વાત કરી છે. મને આશ્ચર્ય એ વાતનું છે કે ગેનીબેનના સમર્થનમાં બીજા સંસદસભ્યો/ ધારાસભ્યો કેમ બોલતા નથી? સામાજિક કામ કરતી NGO, સરનામા વિનાના માણસોને સરનામાં અપાવનારાઓ/ એક્ટિવિસ્ટો/ રેશનાલિઝમના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ ચૂપ કેમ છે ?
BY: રમેશ સવાણી











