દેશના એરપોર્ટ પર 2-6 ડીસેમ્બર 2025 દરમિયાન ખૂબજ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ. આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ સમક્ષ ભારતની છબિ ખરાબ થઈ રહી છે. સ્થાનિક પેસેન્જર્સ એરપોર્ટ પર 12 કલાકથી વધુ સમયથી પરેશાન થઈ રહ્યા છે. સરકાર નિસહાય બની જોઈ રહી છે.

ઇન્ડિગોએ પોતાની તમામ ફ્લાઇટ રદ કરી દીધી તેથી પરિસ્થિતિ વણસી છે. હજારો મુસાફરો પ્રભાવિત થયા છે જેઓ લાંબા વિલંબ અને વધતા મુસાફરી ખર્ચથી ચિંતિત છે. 5 ડિસેમ્બર 2025ના રોજ ઇન્ડિગો એરલાઇને ભારે કટોકટી માટે માફી માંગવાનું નાટક કર્યું છે !

400 થી વધુ વિમાનોના કાફલા સાથે દરરોજ 2,300 ફ્લાઇટ્સનું સંચાલન કરતી ઇન્ડિગો કંપની શામાટે આ સ્થિતિનો સામનો કરી રહી છે? DGCA-Directorate General of Civil Aviationના નવા નિયમોથી પાઇલટ્સને અઠવાડિયામાં 12 કલાકનો વધારાનો આરામ મળ્યો, જેના કારણે અચાનક પાઇલટ્સની અછત સર્જાઈ, જેના કારણે 1000 થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ. ઇન્ડિગો ઈચ્છે છે કે DGCA પોતાનો નવા નિયમો પરત ખેંચે !

ઇન્ડિગો પાસે 200 પાઇલટ્સને નોકરી પર રાખવા માટે 18 મહિનાનો સમય હતો. પણ તેણે કંઈ કર્યું નહીં..

એર ઈન્ડિયા પાસે પ્લેન દીઠ 19 પાઇલટ છે, જ્યારે ઈન્ડિગો પાસે પ્લેન દીઠ માત્ર 13 પાઈલટ છે. ઓછા પાઈલટથી ઈન્ડિગો ચલાવવા માંગે છે. ઇન્ડિગોએ DGCA ને બ્લેકમેલ કરીને તેની મોનોપોલી સ્થિતિનો ઉપયોગ કરીને તેની ફ્લાઇટ્સ રદ કરીને કટોકટી ઉભી કરી. કેમકે તે DGCA ના નિયમોનું પાલન કરવા માંગતી ન હતી. DGCA એ બ્લેકમેલનો ભોગ બનીને તેના નિયમો 5 ડીસેમ્બર 2025ના રોજ પાછા ખેંચી લીધા !

92% એર ટ્રાફિક IndiGo અને Air India પાસે છે. જેમાં 64% ઇન્ડિગો પાસે છે. મોનોપોલીનો સ્વભાવ પોતાના હિતોની રખેવાળી કરવાનો હોય છે, લોકોના હિતની તેમને કોઈ ચિંતા હોતી નથી.

દેશમાં માત્ર અદાણી-અંબાણીની મોનોપોલી ઊભી થઈ છે, આવનાર સમયમાં ઇન્ડિગોની માફક સરકારને ઝૂકાવશે ! આપણી પાસે ઊંહકારા કરવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી !

BY: રમેશ સવાણી 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here