કેનેડા: કેનેડાના Ontario રાજ્યના Guelph-ગ્વેલ્ફ સિટીમાં 29 નવેમ્બર 2025ના રોજ એક ચર્ચ જોયું. ચર્ચની દિવાલ પર મોટું બેનર હતું : ‘Stand With Ukraine/ Pray For Ukraine-યુક્રેન સાથે ઉભા રહો/ યુક્રેન માટે પ્રાર્થના કરો.’
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ધીમે ધીમે સરહદ પર સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો અને વિશ્વ સમુદાયને ખાતરી આપી કે તેમનો ઈરાદો યુદ્ધ શરૂ કરવાનો નથી, આ તો ફક્ત લશ્કરી તાલીમ ચાલે છે ! પરંતુ 24 ફેબ્રુઆરી 2022ના રોજ વહેલી સવારે, રશિયાએ યુક્રેનના લુહાન્સ્કથી ચેર્નિહિવ સુધી, તેમજ બેલારુસ અને કબજા હેઠળના ક્રિમીઆ પર હુમલો કર્યો હતો.
બીજા વિશ્વયુદ્ધના અંત પછી, આખી દુનિયાએ શપથ લીધા કે તે ફાસીવાદ, નાઝીવાદ, ઝેનોફોબિયા અને નરસંહારના ફેલાવાને રોકવા માટે શક્ય તેટલું બધું કરવું. પણ શપથની કોને પડી છે? આજે દરરોજ, યુક્રેનિયનો મરી રહ્યા છે. એક મુક્ત નાગરિક સમાજ, રાજકીય લોકશાહી, માનવ ગૌરવ, વાણી સ્વાતંત્ર્ય અને છેવટે, ફક્ત યુક્રેનિયન રહેવાના અધિકારને આક્રમણકારી દેશ નાશ કરવા ઈચ્છે છે.
આ યુદ્ધ યુક્રેન માટે વિપરીત અને વ્યાપક નુકસાનકારક સાબિત થયું છે. આ નુકસાનમાં માનવીય જીવન, અર્થતંત્ર, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. નવેમ્બર 2025 સુધીના અંદાજ અનુસાર (વર્લ્ડ બેંક, UN, અને વિવિધ વિશ્લેષણો મુજબ) યુક્રેનને કુલ નુકસાન લગભગ $524 અબજ (લગભગ 4.4 લાખ કરોડ રૂપિયા)નું થયું છે : [1] માનવીય નુકસાન (Human Casualties) : યુદ્ધમાં યુક્રેનના સૈનિકો અને નાગરિકોને ભારે નુકસાન થયું છે. બંને પક્ષો આંકડા ગુપ્ત રાખે છે, પરંતુ વિશ્વસનીય અંદાજ (CSIS, BBC, અને વેસ્ટર્ન ઈન્ટેલિજન્સ) અનુસાર સૈનિકોના મૃત્યુ 60,000 થી 100,000. ઈજાઓ 300,000 થી 400,000. [2] અર્થતંત્રીય નુકસાન (Economic Damage) : હાઉસિંગ/ પરિવહન/ ઊર્જા/ ઉદ્યોગ/ કૃષિને $176 અબજનું (ડિસેમ્બર 2024 સુધી) નુકસાન થયું છે. યુદ્ધથી CO2 ઉત્સર્જન વધ્યું, જેના કારણે $44 અબજનું વધારાનું નુકસાન (ક્લાઈમેટ ડેમેજ) થયું. [3] ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નુકસાન (Infrastructure Destruction) : ઊર્જા ક્ષેત્રમાં 70%થી વધુ નુકસાન. મોટા શહેરો ડોનેત્સ્ક, ખાર્કીવ, લુહાન્સ્ક, ઝાપોરિઝ્ઝિયા, ખેર્સન, કીવમાં 72% નુકસાન. સિવિલિયન સુવિધાઓમાં શાળાઓ, હોસ્પિટલો, પાણી/વીજળી સુવિધાઓ અસરગ્રસ્ત થઈ.
યુક્રેનને થયેલું નુકસાન માત્ર નાણાકીય નથી, પરંતુ તેની પેઢીઓને અસર કરે તેવું છે; 2025માં યુદ્ધ ચાલુ છે તેથી આ નુકસાન વધશે. યુદ્ધનો દરેક નવો દિવસ વધુ મૃત્યુ અને વધુ મોટી માનવવાદી, આર્થિક અને માળખાકીય વિનાશ તરફ દોરી જાય છે.
ધર્મ સંસ્થા યુદ્ધ રોકી ન શકે તો પણ અસરગ્રસ્તોની પડખે જરુર ઊભી રહી શકે. ચર્ચ પરનું બેનર આ સંદેશો આપે છે કે “હજારો યુક્રેનિયનો પોતાનો જીવ બચાવવા માટે પોતાના ઘરો અને શહેરો છોડીને ભાગી રહ્યા છે. યુક્રેનની સરહદે આવેલા લગભગ બધા દેશોમાં સલામત સ્થળે પહોંચવા માટે યુક્રેનિયનોની મોટી કતારો જોવા મળી રહી છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ભૂખ્યા-તરસ્યા રાહ જોઈ રહ્યા છે. પડોશી દેશોની સરકારો અને લોકો તરફથી અભૂતપૂર્વ સહાય છતાં, જ્યાંથી યુક્રેનિયનો સ્થળાંતર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એમને હજુ પણ મદદની જરૂર છે ! તમે પૈસા દાન કરવામાં અથવા રહેઠાણ અથવા મફત રહેઠાણ પૂરું પાડવામાં મદદ કરી શકો છો. યુક્રેનને હવે સૌથી ઉપર દવાઓ, બળતણ, સેનિટરી અને આરોગ્યપ્રદ સાધનો, ખોરાક અને તકનીકી સાધનોની જરૂર છે. એટલે યુક્રેન સાથે ઉભા રહો.”
આપણે ત્યાં સામાજિક/ આર્થિક/ નાગરિકતાની સમસ્યાઓ સામે આંદોલન કરતા લોકોની સાથે ગુરુદ્વારા હંમેશા ઊભું રહે છે. પરંતુ ગુજરાતની ધનવાન ધર્મ સંસ્થાઓ ગુરુદ્વારા પાસેથી બોધપાઠ લેતી નથી ! કોઈ પણ ધર્મમાં જો માણસાઈ ન હોય તો તે અણુંબોમ્બ જ છે. માણસાઈ વગરનો ધર્મ હંમેશા આતંકવાદી બની જાય છે !
BY: રમેશ સવાણી










