ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી SIRની કામગીરી કરી રહેલા અનેક BLOની અમને ફરિયાદ મળી છે. ગતરોજ તમામ BLO કર્મચારીઓને મામલતદાર કચેરીએ બોલાવીને ધમકાવવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આટલા દિવસની અંદર તમામ લોકોના ફોર્મ ભરાઈને ઓનલાઈન થઈ જવા જોઈએ અને જો નહીં કરો તો તમને સસ્પેન્ડ કરી દઈશું. આ સિવાય જેટલા પણ બી.એલ.ઓ ગેરહાજર હતા, એમના વિરુદ્ધ વોરંટ કાઢવામાં આવ્યા છે અને તેમને ઘરે જઈને પોલીસ ઉઠાવી રહી છે અને મામલતદારને ત્યાં હાજર કરી રહ્યા છે.
હમણાં આયોજિત થયેલા સરકારી કાર્યક્રમો એટલે કે વિકાસ મહોત્સવ અને ગૌરવ યાત્રામાં તમામ સરકારી કર્મચારીઓને 15 નવેમ્બર સુધી લગાડી દેવામાં આવ્યા હતા અને વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ લગાડી દેવામાં આવ્યા હતા. ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ શિક્ષકોની એવી ફરિયાદ છે કે તેઓ એક જ શિક્ષક છે તો જો તેઓ તરીકે SIR ની કામગીરી કરવા જશે તો બાળકોને ભણાવશે કોણ? ઘણી આંગણવાડીની બહેનોને પણ જબરજસ્તીથી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એમનું પણ કહેવું છે કે તેઓ આંગણવાડી ચલાવે કે BLOની કામગીરી કરે ? આંગણવાડીમાં આવી રહેલા નાના નાના ભૂલકાઓને કઈ રીતે સાચવવામાં આવશે? કોઈ બાળક બહાર દોડી જાય કે કોઈ વાહનની અડફેટે આવી જાય તો એની જવાબદારી કોની રહેશે ? તો સરકારી કર્મચારીઓ પર બળજબરીપૂર્વક કામ કરાવવાની તાનાશાહીનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. જો તમારે આંગણવાડીઓ પાસે આટલું કામ કરાવવું હોય તો નામદાર હાઇકોર્ટે બે ઓર્ડર કર્યા છે કે એમને કાયમી કરવામાં આવી અને 24,600 દર મહિને પગાર આપવામાં આવે, તો સરકાર કેમ આટલો પગાર આપતી નથી? સરકાર કેમ આ ઓર્ડરનું પાલન કરતી નથી?
ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, શિક્ષકો સહિત અન્ય વર્ગના કર્મચારીઓને તમે 58 વર્ષે તમે રીટાયર કરી દો છો અને તમારા જે સચિવ અને સલાહકારો રાખો છો એમને તમે 72 વર્ષ સુધી એક્સટેન્શન આપો છો, સરકારની આ જે નીતિ છે જેમાં ઉચ્ચ કક્ષાના IAS IPS અધિકારીઓને પ્રજાના પૈસે મોજ કરાવવામાં આવે છે અને નાના કર્મચારીઓને ૫૮ વર્ષથી રીટાયર કરી દેવામાં આવે છે અને આ કર્મચારીઓની કોઈ સલામતી પણ નથી. અમે અમારા બૂથ લેવલના એજન્ટોને કહ્યું છે કે BLO કામગીરીમાં મદદ કરજો સહકાર આપજો અને મત રક્ષકની ભૂમિકામાં અમારા લોકો પોતાની સેવા આપવાના છે.











