બિહાર: બિહારની વિધાનસભા ચૂંટણીનું પરિણામ 14 નવેમ્બર 2025ના રોજ આવી ગયું. ભાજપ-નિતિશકુમારને અકલ્પનિય/ અદભૂત/ ઐતિહાસિક જીત મળી છે. RJD-કોંગ્રેસની હાર પણ અકલ્પનિય રહી. પરંતુ પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીની તદ્દન નિષ્ફળતા ચોંકાવનારી છે.

પ્રશાંત કિશોર તો ચૂંટણી રણનીતિકાર છે. રાજકીય પક્ષોને જીતાડનાર છે. સવાલ એ છે કે પ્રશાંત કિશોર અને તેની જન સુરાજ પાર્ટીની નિષ્ફળતાનું કારણ શું? સ્થળાંતર, બેરોજગારી, ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ અને ઉદ્યોગ જેવા મુદ્દાઓ પર આધારિત રાજકીય પડકાર દ્વારા બિહારમાં વર્તમાન રાજકીય વ્યવસ્થાને પડકારવાનો જન સુરાજ પાર્ટીનો પ્રયાસ નિષ્ફળ ગયો. એક વર્ષ પહેલાં, ચાર બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીઓમાં તેમણે નજીવો મતહિસ્સો મળ્યો હતો, અને હવે, મજબૂત સોશિયલ મીડિયા હાજરી અને ભારે પ્રચાર છતાં, વિધાનસભા ચૂંટણીમાં ભારે નિષ્ફળતા મળી છે.

243 સભ્યોની બિહાર વિધાનસભામાં NDAના પ્રચંડ વિજય વચ્ચે, જન સુરાજ પાર્ટી ક્યાંય નથી. પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે તેમનો પક્ષ 150 બેઠકો જીતશે. જન સુરાજ પાર્ટીની સ્થાપના ગયા વર્ષે પ્રશાંત કિશોરે કરી હતી. પાર્ટીએ બિહારમાં ગ્રામીણ અને શહેરી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને યુવાનોને આકર્ષવાનો પ્રયાસ કરીને સોશિયલ મીડિયા ઝૂંબેશ ચલાવી હતી.

જન સુરાજ પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં બધી 243 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ પાછળથી ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને એકનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. જન સુરાજ પાર્ટીએ મહાગઠબંધનના મતોમાં ઘટાડો કર્યો. જન સૂરાજને લગભગ 3% મત મળ્યા. એવું માનવામાં આવે છે કે આ મતો મુખ્યત્વે મહાગઠબંધનના યુવાનો, શહેરી, EBC અને સ્થળાંતરિત બિહારીઓના હતા. મહાગઠબંધનને AIMIM પણ નડ્યું.

જન સુરાજ પાર્ટી કહે છે કે “અમે લોકોને કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ કદાચ અમે તેમને મનાવવામાં નિષ્ફળ ગયા.” પ્રશાંત કિશોરની 3,000 કિમી લાંબી જન સૂરજ પદયાત્રા, જે 2 ઓક્ટોબર, 2022 ના રોજ ચંપારણથી શરૂ થઈ હતી, જ્યાં મહાત્મા ગાંધીએ 1917 માં સત્યાગ્રહ શરૂ કર્યો હતો. બિહારના લોકો હવે પ્રશાંત કિશોર અને જન સુરાજને જાણે છે તે કોઈ નાની સિદ્ધિ નથી. દાયકાઓથી, બિહાર બે પક્ષો વચ્ચે સંઘર્ષનું કેન્દ્ર રહ્યું છે. અહીં નવી પાર્ટી માટે પોતાને સ્થાપિત કરવું સરળ નથી. છતાં, પ્રશાંત કિશોરે રોજગાર, સ્થળાંતર અને બિહારીઓના શોષણ જેવા મુદ્દાઓ દ્વારા યુવાનોના હૃદય પર કબજો કર્યો છે.

બિહારનું રાજકારણ હજુ પણ જાતિ આધારિત સમીકરણો અને RJD/ JDU/ ભાજપ જેવા પરંપરાગત પક્ષો પર આધાર રાખે છે. જન સુરાજ પાર્ટીના મુદ્દા આધારિત રાજકારણે ચર્ચા જગાવી પરંતુ મત બેંક બનાવવામાં નિષ્ફળ ગઈ. સ્થળાંતરના મુદ્દા પર, પ્રશાંત કિશોરે વારંવાર કહ્યું કે બિહારના યુવાનોને દિલ્હી, મુંબઈ અને અન્ય રાજ્યોમાં મજૂર તરીકે કામ કરવાની ફરજ પાડવામાં આવે છે, પરંતુ આ સંદેશ મતદારો સુધી પહોંચવામાં નિષ્ફળ ગયો. તેવી જ રીતે, શિક્ષણ અને ઉદ્યોગના અભાવ અંગેની તેમની ટીકા NDA સરકાર પર કેન્દ્રિત હતી, પરંતુ મતદારો NDAના વચનોથી પ્રભાવિત થયા હતા.

આ વખતે મતદાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જે પ્રશાંત કિશોરના દાવાને કંઈક અંશે સમર્થન આપે છે. યુવા અને સ્થળાંતરિત મતદારોની ભાગીદારી વધી છે, પરંતુ આ મત જન સુરાજ પાર્ટીને મળ્યા નથી. NDA ની જીત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓ અને નીતિશ કુમારની લોકપ્રિય યોજનાઓ કામ કરી ગઈ.

ભૂતકાળમાં, પ્રશાંત કિશોરે મોદી અને નીતિશ કુમાર સહિત ઘણા નેતાઓની જીતમાં ફાળો આપ્યો હતો, અને હવે તેઓ પોતાના પક્ષમાં જ સંઘર્ષ કરી રહ્યા છે. બિહારના રાજકારણમાં પરિવર્તન લાવવાનો આ પ્રયાસ નિષ્ફળ ગયો છે, પરંતુ તે સૂચવે છે કે મુદ્દા આધારિત રાજકારણને મજબૂત આધાર બનાવવામાં સમય લાગે છે.

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર બીજાને ચૂંટણીમાં વિજયી બનાવતા હતા; તે પોતાના પક્ષને એક પણ બેઠક અપાવી શક્યા નહીં ! તેના આ કારણો છે : [1] લોકોને મુદ્દા આધારિત રાજનીતિમાં રુચિ નથી. [2] લોકો ધર્મ/ જાતિ આધારિત મત આપે છે. [3] ચૂંટણી આચારસંહિતા ચાલુ હતી તે દરમિયાન મહિલાઓના ખાતામાં 10,000 જમા થયા તે ફેક્ટર વિપક્ષને નડી ગયું. સત્તાપક્ષ પાસે પોતાનું ચૂંટણી પંચ હતું. એજન્સીઓ હતી. નાણાં હતા. ભાજપ પાસે વડાપ્રધાન/ ગૃહમંત્રી/ રાજ્યોના મુખ્યમંત્રીઓની ફોજ હતી, સંસાધનો વિપુલ હતા. આ બધું નવા પક્ષ પાસે ન હોય. [4] ભાજપની ધર્મ આધારિત રાજનીતિ લોકોને એક નશાની અનુભૂતિ કરાવે છે, જ્યારે મોંઘવારી/ બેરોજગારી/ શિક્ષણ/ આરોગ્યના મુદ્દાઓ એવી ઊર્જા લોકોમાં ભરી શકતા નથી

BY: રમેશ સવાણી 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here