નવસારી: નવસારી મહાનગરપાલિકાના સેનેટરી વિભાગે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. આ પહેલ અંતર્ગત, ધાર્મિક સ્થળો અને લોકો દ્વારા ભગવાનને અર્પણ કરાયા બાદ ફેંકી દેવાતા ફૂલ હારમાંથી અગરબત્તી બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પાલિકાની સફાઈકર્મી મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો છે.શહેરમાં દરરોજ ધાર્મિક સ્થળો, સ્મશાનગૃહો અને લોકો દ્વારા સેંકડો કિલો ફૂલ અને હારનો ઉપયોગ થાય છે.

આ ફૂલો મોટાભાગે કચરામાં અથવા નદીઓમાં ફેંકી દેવાય છે, જેના કારણે જળ પ્રદૂષણ વધે છે. આ સમસ્યાને હલ કરવા અને ધાર્મિક લાગણીઓનું સન્માન જાળવીને ફૂલોનો સદુપયોગ કરવાના ઉમદા હેતુથી આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે.આ પ્રોજેક્ટ હેઠળ, નવસારી શહેરના 78 ધાર્મિક સ્થળો, જેમાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચનો સમાવેશ થાય છે, તેમજ સ્મશાનભૂમિમાંથી દરરોજ અંદાજે 700 કિલો ફૂલ હાર એક વિશેષ વાહન દ્વારા એકત્ર કરવામાં આવે છે. આ ફૂલોને મહાનગરપાલિકાના રિંગરોડ સ્થિત ગોડાઉનમાં લાવવામાં આવે છે. ત્યાં, સફાઈકર્મી મહિલાઓ દ્વારા ફૂલોને છૂટા પાડી, સૂકવીને મશીનમાં ક્રશ કરીને પાવડર બનાવવામાં આવે છે.

આ પાવડરને અન્ય મશીનમાં ભેળવીને પેસ્ટ બનાવવામાં આવે છે, જેમાંથી અગરબત્તીઓ તૈયાર થાય છે.સફાઈકર્મી મહિલાઓએ અત્યાર સુધીમાં 3,000થી વધુ અગરબત્તીઓ બનાવી છે. શરૂઆતમાં, આ અગરબત્તીઓ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં વિતરિત કરવામાં આવશે. ઉપરાંત, દિવાળીના તહેવાર દરમિયાન સ્ટોલ લગાવીને તેનું વેચાણ પણ કરવામાં આવશે.નવસારી મહાનગરપાલિકાનો આ અગરબત્તી પ્રોજેક્ટ સફાઈકર્મી મહિલાઓની આવકમાં વધારો કરવા ઉપરાંત તેમને એક નવી ઓળખ પણ આપશે. જે ફૂલો અત્યાર સુધી ફેંકી દેવામાં આવતા હતા, તેની સુવાસ હવે લોકોના ઘરોમાં ફેલાશે, જે પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સશક્તિકરણ બંને દિશામાં એક સકારાત્મક પગલું છે.