નવસારી: નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારે નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. આ કમોસમી વરસાદને કારણે જનજીવન અને ખેતી બંને પર અસર થવાની સંભાવના છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી.
નવસારી શહેરમાં મંકોડિયા, વિજલપોર, શિવાજી ચોક અને સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયા હતા. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોને તેમના પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે.આ કમોસમી વરસાદને કારણે શેરડી, ડાંગર અને ચીકુ જેવા ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
રવિ પાકનું વાવેતર કરતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે, કારણ કે વરસાદ જમીનની તૈયારી અને વાવણી પ્રક્રિયાને અવરોધી શકે છે.આગામી દસ દિવસમાં દિવાળીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. તે પૂર્વે જિલ્લામાં વરસાદી માહોલ છવાતા દિવાળીની ખરીદી પર અસર પડી શકે છે. જો વરસાદ યથાવત રહેશે તો ફટાકડા, લાઇટિંગ અને રંગોળી સહિતના દિવાળીના ઉત્સવ સંબંધિત બજારને પણ પ્રભાવિત કરી શકે છે.

