ગુજરાત: ગુજરાતમાં ભાજપના પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની તાજપોશી થઇ ચુકી છે ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027 વિધાનસભા ચૂંટણીની તૈયારી રાજકીય પક્ષોએ પૂરી કરી લીધી છે. સત્તાધારી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ OBC કાર્ડ ખેલ્યું છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027 વિધાનસભા ચૂંટણીમાં OBC સમાજ સાથે અન્ય સમાજનું સમીકરણ તે જ જીતની ફોર્મ્યુલા ‘OBC કાર્ડ’ ભાજપ, કોંગ્રેસ અને AAPએ ખેલ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. ત્રણેય પક્ષોએ પોતાના પ્રમુખ OBCને બનાવ્યા છે. એટલે OBC કાર્ડ કોમન બન્યું. જેના કારણે હવે અન્ય જ્ઞાતિઓને ખૂબ લાભ થવાની શક્યતા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% OBC અનામત બેઠકો ત્રણેય પક્ષોએ ફરજિયાત ભરવાની છે. જેના કારણે હવે બાકીની બેઠકો SC અને ST અનામત સિવાયની બેઠકોની ફાળવણી મહત્વની બનશે. અત્યારે ભાજપ દ્વારા OBC સમાજમાંથી આવતા જગદીશ વિશ્વકર્મા અને પાટીદાર મુખ્યમંત્રીની જોડી બનાવી. કોંગ્રેસે OBC નેતા અમિત ચાવડા સાથે આદિવાસી નેતા તુષાર ચૌધરીની જોડી બનાવી. જ્યારે AAP પાર્ટીએ OBC નેતા ઈસુદાન ગઢવી સાથે પાટીદાર નેતા ગોપાલ ઈટાલીયાની જોડી બનાવી. હવે ગુજરાતમાં આગામી દિવસોમાં જાતિ આધારિત રાજકારણ જ ચાલશે એ નક્કી છે.

