નવસારી: મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ મળ્યું છે. નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રેલવે મંત્રાલયમાં કરેલી રજૂઆતના પગલે આ નિર્ણય લેવાયો છે.

Decision News ને મળેલી માહિતિ મુજબ આગામી 23 ઓગસ્ટ 2025થી આ ટ્રેન નવસારી સ્ટેશન પર પ્રથમવાર ઊભી રહેશે. મુંબઈ અને અમદાવાદ બંને દિશામાં સ્ટોપેજ મળતાં મુસાફરોને સીધો લાભ થશે. ટ્રેનના સ્વાગત માટે જિલ્લા પ્રમુખે લોકોને રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે.

થોડા દિવસ પહેલાં નવસારી જિલ્લાના રેલવે કન્સલ્ટીવ કમિટીના સભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ અને ઉદ્યોગપતિઓએ સાંસદ સી.આર. પાટીલની આગેવાનીમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી. તે સમયે માત્ર સ્ટોપેજની ખાતરી અપાઈ હતી. હવે તારીખની જાહેરાત થતાં જિલ્લામાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. આ સ્ટોપેજથી ડાયમંડ વ્યવસાય સાથે જોડાયેલા લોકો સહિત મુંબઈ-અમદાવાદ વચ્ચે મુસાફરી કરનારા તમામ લોકોને લાભ થશે. લાંબા સમય બાદ નવસારી જિલ્લાને સુપરફાસ્ટ ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે.