ડાંગ: ડાંગ જિલ્લાનાં સાપુતારા પંથકમાં વરસાદના કારણે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઠેરઠેર ભેખડો ધસી પડતા ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદના વિરામ બાદ પણ બીજા દિવસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કોઈ કામગીરી કરવામાં ન આવતા વાહનવ્યવહાર અડચણરૂપ બની સમયાંતરે થંભી જવા પામે છે,જેના કારણે કિલોમીટરો સુધી લાંબો ટ્રાફિકજામ થઈ રહ્યો છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વરસાદની શરૂઆત થતા જ માર્ગ પરની ભેખડો ધસી પડવાની ઘટનાઓ બની હતી,જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ ઘટનાના બીજા દિવસે પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર હાજર થયા નથી. એવું લાગી રહ્યું છે કે જાણે આ અધિકારીઓ મિની વેકેશન પર ઉતરી ગયા હોય, જેના કારણે માર્ગ ખોલવાની કામગીરી નિષ્ક્રિય બની છે.

જ્યા સુધી સુધી તંત્ર સત્વરે કોઈ પગલાં નહીં ભરે,ત્યાં સુધી વાહનચાલકોની હાલાકીમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે. આ સંવેદનશીલ સમયે તંત્રની આવી બેદરકારી સામે પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.