નવસારી: નવસારી મહાનગરપાલિકાએ સ્વચ્છ સર્વેક્ષણ 2024માં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના ગૃહ અને શહેરી મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં નવસારી સમગ્ર દેશમાં 41મા ક્રમે રહ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં તે 10મા ક્રમે છે.આ સિદ્ધિ નોંધપાત્ર એટલા માટે છે કે ગત વર્ષે નવસારી 186મા ક્રમે હતું. નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓમાં નવસારી બીજા ક્રમે છે. આ સફળતા બદલ નવસારી મહાનગરપાલિકાના વહીવટદાર, કલેક્ટર અને કમિશનરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના 12 કર્મચારીઓને સન્માનપત્ર એનાયત કર્યા હતા.
સન્માનિત થનારા કર્મચારીઓમાં જે.યુ.વસાવા (DYMC), ડો.અલ્પેશ પટેલ (MoH), મોહનભાઈ આહિર, ઉમેશ મારૂ, શ્વેતા પટેલ, યાસ્મીન ખલીફા, તુષાર ચાવડા, શ્રીકાંત દરજી, મિતુલ પટેલ, ધવલકુમાર નાયક, હિરેન હળપતિ અને ઉપહાર ઠાકોરનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકાના કમિશનરે આશા વ્યક્ત કરી છે કે વર્ષ 2025માં નવસારી સ્વચ્છતામાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ પાંચમાં સ્થાન મેળવશે. સ્વચ્છતામાં આવેલા આ સુધારાથી મહાનગરપાલિકામાં ઉત્સાહનું વાતાવરણ છે.











