વાપી: વાપી GIDC ના ફર્સ્ટ ફેઝમાં ફાયર સ્ટેશનની બાજુમાં 48.48 કરોડના ખર્ચે નિર્માણ થનાર ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરનું ગતરોજ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતુ. કનુભાઈ દેસાઈએ કહ્યું કે વાપી સમગ્ર ભારતમાં ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ આગવુ સ્થાન ધરાવે છે. આધુનિક સાધનો અને અદ્યતન સુવિધાઓથી સજ્જ આ નવા સેન્ટરથી ઔદ્યોગિક વિસ્તારોમાં લોકોની સલામતી અને સુરક્ષામાં વધારો થશે.

અહીં કેમ્પસમાં NDRF અને SDRF દ્વારા તાલીમ પણ આપવામાં આવશે. વાપી મહાનગરપાલિકાના કમિશ્નર યોગેશ ચૌધરીએ આ સેન્ટર અંગે મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. દક્ષિણ ગુજરાત GIDC ના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર દેવેન્દ્ર સગરે જણાવ્યું કે 48.48 કરોડના ખર્ચે આ સેન્ટરનું બાંધકામ આગામી 18 માસમાં પૂર્ણ કરાશે. કુદરતી આપત્તિઓ જેવી કે, ભૂકંપ, પુર, સુનામી, વાવાઝોડું, દુષ્કાળ, આગ અને મહામારી, ઔદ્યોગિક દુર્ઘટના જેવી કે કેમિકલ લીકેજ, આગ, વિસ્ફોટ અને સુરક્ષા સંબંધિત ઘટનાઓ જેવી કે સાઇબર હુમલા, બાયોલોજીકલ અથવા રાસાયણિક હુમલા જેવી સ્થિતિને પહોંચી વળવા માટે તમામ આધુનિક પ્રકારના સાધનો ઉપલબ્ધ કરાવાશે.

નવા સેન્ટરમાં આપત્તિ સમયે ઝડપી કામગીરી માટે ઉપયોગી સાધનો.HAZMAT વાહન (2KL પાણી ટેન્ક સાથે).રેસ્ક્યુ વાહન, ફાયર ટેન્ડર (10 KL), એરિયલ પ્લેટફોર્મ (22 મીટર).ક્વિક રિસ્પોન્સ વાન, એમ્બ્યુલન્સ, કેમિકલ રિકવરી વાન.મલટીપર્પઝ ફાયર ટેન્ડર (પાણી, ફૉમ અને ડ્રાય પાઉડર).સર્ચ કેમેરા અને અંડરવોટર કેમેરા.ડ્રોન, ડિજિટલ મોનીટરીંગ સ્ક્રીન, વીડિયો વોલ.વોકી ટોકી, સોફ્ટવેર સાથે કમ્પ્યૂટર સિસ્ટમ વગેરે સુવિધાઓ રેહશે.