વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લામાં સરેરાશ 23.17 મિમી વરસાદ નોંધાયો છે. વાપી તાલુકામાં સૌથી વધુ 33 મિમી વરસાદ પડયો છે. ધરમપુર તાલુકામાં 27 મિમી, વલસાડમાં 23 મિમી, પારડી અને કપરાડામાં 19-19 મિમી તેમજ ઉમરગામમાં 18 મિમી વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
વહીવટી તંત્રએ તકેદારીના પગલાં રૂપે 10 લો-લેવલ રસ્તાઓ બંધ કર્યા છે. આમાં વલસાડ તાલુકાના 4, કપરાડા તાલુકાના 2 અને ધરમપુર તાલુકાના 4 રસ્તાનો સમાવેશ થાય છે.1લી જૂનથી અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ 832.17 મિમી વરસાદ નોંધાયો છે. કપરાડા તાલુકામાં સૌથી વધુ 1028 મિમી, વાપીમાં 875 મિમી, ઉમરગામમાં 823 મિમી, ધરમપુરમાં 814 મિમી, પારડીમાં 810 મિમી અને વલસાડમાં 643 મિમી વરસાદ પડયો છે.
વાપીમાં એક આંબાનું ઝાડ ધરાશાયી થયું હતું, જેમાં બે બાઈક ચાલકનો આબાદ બચાવ થયો. સ્થાનિક લોકો અને વાપી ફાયર ફાઈટર્સની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઝાડ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. હવામાન વિભાગે વલસાડ જિલ્લા, દાદરા નગર હવેલી અને દમણ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

