વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે એટલે 15મી ડિસેમ્બરના રોજ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. જેની તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે. ધોરડો અને ગુંદીયાળી ખાતે યોજાનારા કાર્યક્રમને લઈને તંત્ર આખરી ઓપ આપી રહ્યું છે. ત્યારે ગઇકાલથી જ ધોરડો સુધીના આખા રસ્તા અને ભુજ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સીઆઈએસએફને તૈનાત કરી દેવાઈ છે. માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટ અને ખાવડામાં એશિયાનો સૌથી મોટા સોલાર પાર્કનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિ પૂજન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોરડો ખાતે કાર્યકમમાં ઉપસ્થિત રહેશે. ત્રણ પ્રોજેક્ટનું વર્ચ્યુલથી ભૂમિ પૂજન કરશે.
આ અંગે પીએમ નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, કચ્છે પોતાના વિકાસ માટે ઓળખ બનાવી છે, ખાસકરીને કૃષિ જગતમાં. 15 ડિસેમ્બરના રોજ હું, કચ્છમાં જઇને વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોની શરૂઆત કરીશ જેનાથી ત્યાંના વિસ્તારને ફાયદો થશે.
પીએમ મોદીનો કાર્યક્રમ:
-પીએમ મોદી બપોરે 1 વાગે ધોરડો પહોંચશે. અહીં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ તેમનું સ્વાગત કરશે.
-ધોરડોમાં જાહેર સભા પહેલા પીએમ મોદી ખેડૂતોના ડેલીગેશન ને મળશે
-વર્ષોથી કચ્છમાં સ્થાયી થયેલા પંજાબી ખેડૂતોને પીએમ મળશે
-કૃષિ ક્ષેત્રે પ્રગતિશીલ એવા પંજાબી ખેડૂતો સાથે પીએમ સંવાદ કરશે
-ત્યારબાદ પીએમ ભુજમાં ભૂકંપગ્રસ્તોની યાદમાં બની રહેલા મેમોરિયલ ની મુખ્યમંત્રી રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે.
-કચ્છી હસ્તકલાના કારીગરો સાથે મુલાકાત કરશે પીએમ મોદી ટેન્ટ સિટીના વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે
-પીએમ દરિયાના પાણીને મીઠું બનાવવાના 4 પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે
-પીએમ સભાસ્થળે કચ્છના ગુંદીયાળી, સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ ના 4 ડિસેલિનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે
– સૌરઉર્જા અને પવનચક્કી થી 30 હજાર મેગાવોટ વીજળી ઉતપ્પન કરવાના હાઇબ્રિડ એનર્જી પાર્કનું પણ ભૂમિપૂજન કરશે પીએમ મોદી
-સરહદ ડેરીના 2 લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું પણ પીએમ ભૂમિપૂજન કરશે
-કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ડેરી પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે પીએમ મોદી
-ભૂમિપૂજન બાદ પીએમ મોદી જાહેરસભા ને કરશે સંબોધન
-સાંજે પીએમ મોદી સ્મૃતિ વન પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન નિહાળશે
-ત્યારબાદ સફેદ રણની મુલાકાત લેશે પીએમ
-સફેદ રણમાં સનસેટ પોઈન્ટ પર સૂર્યાસ્ત નિહાળશે
-પીએમ મોદી સફેદ રણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળશે, જેમાં ઓસમાણ મીર અને ગીતા રબારી મારી માતૃભૂમિ થીમ પર પરફોર્મન્સ આપશે સાંજે 7 કલાકે પીએમ મોદી ધોરડોથી રવાના થશે
વડાપ્રધાન મોદી બપોરે સફેદ રણ ખાતેથી જ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુર્હુત કરનારા હોવાથી બપોરનું ભોજન ટેન્ટ સીટી ખાતે લેશે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ટેન્ટસીટીના સંચાલકોને વડાપ્રધાનના ભોજન અંગેની તૈયારી કરવા સુચના આપી દેવાઈ છે. જેમાં ગુજરાતી વડાપ્રધાન હોવાથી તેમને ફુલ ગુજરાતી થાળીનો રસથાળ પીરસવામાં આવશે તે સાથે તેમાં કચ્છી વાનગીઓનું સંયોજન કરાશે.