છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે 56 પર આવેલા દેવલીયાથી તેજગઢ વચ્ચે વિદ્યાર્થીઓની સલામતી જોખમમાં મૂકાઈ છે. તેજગઢની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 3 કિલોમીટરનું અંતર કાપવા માટે કોઈ યોગ્ય વાહન વ્યવસ્થા નથી.
શાળા સમયે વાહન સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ રિક્ષા અને છકડા રિક્ષામાં લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. હાલમાં શાળામાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓને શાળામાં લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ શાળામાં દાખલ થયા પછી વિદ્યાર્થીઓને પૂરતી સુવિધાઓ મળતી નથી.
Decision Newsને મળેલ માહિતી મુજબ બે ગામ વચ્ચેના અંતર માટે કોઈ સુરક્ષિત વાહન વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓની સલામતી જોખમાય છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે યોગ્ય વાહન વ્યવસ્થા ઊભી કરવી આવશ્યક બની ગઈ છે.

