ખેરગામ: ખેરગામ તાલુકાના નારાણપુર ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી લાભાર્થીએ ઘઉં અને ચોખા લીધા બાદ તેને સાતેક દિવસ પછી ઉપયોગમાં લેવા સાફ કરવા જતા ઘઉમાં યુરિયા ખાતર જેવું કંઈક મટિરિયલ મિક્સ હોવાનું જણાય આવતા લાભાર્થી મામલતદાર કચેરી પહોંચી તેણે મામલતદારને ઘઉમાં મિક્સ થયેલ વસ્તુ બતાવી આ મામલે તપાસ કરવા અને અનાજ ચોખ્ખું મળે એવી રજૂઆત કરી હતી.
નારણપુર ગામના કાનજી ફળિયામાં રહેતા સુનિલ ચુનીલાલ પટેલના જણાવ્યા મુજબ તેઓ ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાન ઉપર તા.17 જૂનના રોજ અનાજ લેવા માટે ગયા હતા. જેઓ ત્યાંથી ઘઉં અને ચોખા લઈ ઘરે રાખ્યા હતા. સાતેક દિવસ બાદ આ ઘઉં અને ચોખા ઉપયોગમાં લેવા તેની સફાઈ કરવા સુનિલભાઈના પત્નીએ પોટલું ખોલ્યું હતું અને સફાઈ કરતી વખતે ઘઉમાં યુરિયા ખાતર જેવી કંઈક વસ્તુ જણાય આવતા તેમણે સુનિલભાઈને આ ઘઉં બતાવ્યા હતા.
દરમિયાન શુક્રવારના રોજ સુનિલભાઈ આ ઘઉં લઈને ખેરગામ તાલુકા સેવા સદન પહોંચી ગયા હતા. જ્યાં તેમણે આ ઘઉં મામલતદારને બતાવ્યા હતા અને એમાં યુરિયા ખાતર જેવું કંઈક મિક્સ હોવાનું જણાવી અને આ મામલે તપાસ કરી અનાજ ચોખ્ખું મળે એ માટે રજૂઆત કરી હતી.વાસ્તવિક ઘટના શું છે એ તપાસ બાદ ખબર પડશે આજે નારણપુર ગામના સસ્તા અનાજની દુકાનના લાભાર્થી અનાજ મળ્યું એ લઈને આવ્યા હતા. જેમાં યુરિયા ખાતર મિક્સ છે એવી રજૂઆત તેમણે કરી હતી. આ બાબતની તપાસ કરવામાં આવશે અને આમાં તથ્ય શું છે એ તપાસ કર્યા પછી જ ખબર પડશે.











