ચીખલી: ચીખલી તાલુકાના મીણકચ્છ ગામે નીરજ ખાડીના વહેણમાં પગ લપસી જતાં સ્થાનિક ખેડૂત તણાઈ જતાં 24 કલાક કરતાં વધુ સમય બાદ પણ કોઈ ભાળ ન મળતાં એસડીઆરએફ ની ટીમે શોધખોળ શરૂ કરી હતી. ચીખલી તાલુકાના મીણકચ્છ ગામના નિશાળ ફળિયામાં રહેતા વિજય મગનભાઈ પટેલ (ઉ.વ.54) સોમવારના રોજ સાંજના સમયે ખેતરમાં કામ કરી રહ્યા હતા.
Decision news ને મળેલી માહિતી મુજબ ખેતરમાં કામ કરી રહ્યા તે સમયે વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાતા પાણીની પાળ તોડવા જતાં પગ લપસી જતાં બાજુમાંથી પસાર થતી નીરજ ખાડીના વહેણના પાણીમાં તેઓ તણાઈ જતાં ગામના સરપંચ અને સરપંચ એસોસિએશનના પ્રમુખ જયેશભાઈ પટેલ, વાંઝણાના સરપંચ નલીનભાઇ પટેલ સહિત સ્થળ ઉપર ધસી આવ્યા હતા. પોલીસ તેમજ ગણદેવી ફાયર વિભાગને જાણ કરતાં તેઓ સ્થળ ઉપર આવી ગયા હતા.
સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ આદરી હતી. આ ઘટનાને લઈ એસડીઆરએફની ટીમ પણ સ્થળ પર આવી શોધખોળ શરૂ કરી હતી આ ઘટનાની વાત વાયુવેગે ફેલાઇ જતાં આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં જોવા માટે ઉમટી પડયા હતાં. આ અંગે નિલેશ મગન પટેલ (ઉ.વ.45, રહે. મીણકચ્છ, નિશાળ ફળિયા,તા. ચીખલી) એ ચીખલી પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડમાં પણ એક યુવક ગાડી લઈ પસાર થતા તણાઈ ગયો હતો હવે દક્ષિણ ગુજરાતમાં આ બીજી ઘટના ખેડૂત તણાયાની બની છે.

