સુરત: સુરતમાં ગતરોજ વરિયાવ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને એક કોંગ્રેસ નેતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફાયર બ્રિગેડ અને એક જાગૃત નાગરિકની સમયસરની કાર્યવાહીને કારણે તેમનો જીવ બચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ કોંગ્રેસી નેતા બ્રિજની પાળી પર ચાલતા હોય તેવી શંકાસ્પદ ગતિવિધિ બાદ એક જાગૃત નાગરિકે વીડિયો બનાવી ફાયર વિભાગને જાણ કરતા તેમનો બચાવ થયો હતો.

Decision news ને મળતી માહિતી પ્રમાણે ગત રાત્રે આ ઘટના બનતા પહેલા કોંગી નેતા વરિયાવ બ્રિજ પર આંટા મારતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક જાગૃત નાગરિકે તેમની શંકાસ્પદ ગતિવિધિઓનો વીડિયો શૂટ કર્યો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. નેતાએ નદીમાં કૂદવાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

અંધારામાં પણ તાત્કાલિક શોધખોળ કરીને નેતાને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડ અને જાગૃત નાગરિકની સતર્કતા અને સમયસૂચકતાના કારણે એક કિંમતી જીવ બચી ગયો હતો.આ ઘટનાએ ફરી એકવાર માનસિક સ્વાસ્થ્ય અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકોની મદદની જરૂરિયાત પર પ્રકાશ પાડયો હતો. સિંગણપોર પોલીસ દ્વારા આ કોંગી નેતાનું કાઉન્સેલિંગ કરીને પરિવારને સોંપવામાં આવ્યા હતા.