નેત્રંગ: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી રેલ્વા ગામમાં ઉજવાઈ, વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તતાનો સંકલ્પ નેત્રંગ તાલુકાના રેલ્વા ગામે આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)ના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમમાં ગામના તેમજ આજુબાજુના વિસ્તારોના ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ અવસરે આગા ખાન સંસ્થાના પ્રતિનિધિઓ તથા ગામના આગેવાનોએ પર્યાવરણના મહત્વની માહિતી આપી, તેમજ સમૃદ્ધ અને સ્વચ્છ પર્યાવરણની દિશામાં સહયોગ આપવા માટે તમામને પ્રેરણા આપી.કાર્યક્રમ દરમિયાન રેલ્વા ગામના લોકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું,અને પર્યાવરણના રક્ષણ માટે કટિબદ્ધ થવાનો સંકલ્પ લેવાયો.

ખાસ કરીને પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો લાવીને ગામને પ્લાસ્ટિકમુક્ત બનાવવાનો નક્કી કરાયો. આ પ્રકારના કાર્યક્રમો લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.