પ્રતિકાત્મ્ક ફોટો

વલસાડ: જિલ્લા જમીન માપણી વિભાગની આડોળાઈને લીધે ઘડોઇ ગ્રામપંચાયતના 6 ગરીબ પરિવારજનો હજુપણ જમીન મેળવવાથી વંચિત હોવા બાબતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વલસાડ કલેકટરને સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ નિવારણની રજૂઆત કરી છે.

SASના નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા વલસાડ કલેકટરને સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ નિવારણ માટે કરેલી અરજીમાં જણાવ્યા અનુસાર વલસાડ તાલુકાના ઘડોઇ ગામમાંથી કેન્દ્રીય સરકારી યોજનાઓનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પસાર થઇ રહ્યો છે તેમાં સર્વે પણ પૂર્ણ થઇ રહ્યા છે અને ઘણા લોકોની જમીન જઈ રહી છે. હવે પ્રશ્ન એ આવીને ઉભો રહ્યો છે કે ઘડોઈ ગામમાં સીરપડતર જગ્યા નહીં હોવાથી જગ્યા ગુમાવનાર 6 ગરીબ પરિવારોનું પુનર્વસન એક પેચિદો પ્રશ્ન બની ગયો છે. તે સમસ્યાના હલરૂપે ગ્રામપંચાયતના સત્તાધીશો દ્વારા દબાણ હેઠળ રહેલી સરકારી જગ્યાઓ પર નજર દોડાવે છે. તેમાં કેટલાંક લોકોનું સરકારી જમીન પર નાનુંમોટું દબાણ હોવાનું માલુમ પડે છે. આથી ગ્રામપંચાયતના સત્તાધીશો દ્વારા 6 જેટલાં ગરીબ પરિવારજનોના લાભાર્થે અજાણ્યે સરકારી જમીન પર દબાણ કરનાર ગ્રામજનો સમક્ષ દબાણ ખાલી કરવા અનુરોધ કરેલ. જેના પ્રત્યુત્તરમાં અજાણ્યે દબાણ કરનાર ગ્રામજનો નિખાલસતાથી જણાવવામાં આવે છે કે અમને અમારી જમીન કેટલી છે અને દબાણની જમીન કેટલી છે તેનો બિલકુલ અંદાજો નથી,આથી અમને જમીનની માપણી સરકારી સંસ્થા પાસે કાયદાકીય રહે કરાવી આપવામાં અને અમારી અંગત જમીન કેટલી અને દબાણવાળી સરકારી જમીન કેટલી તે હદ એકવાર કાયદાકીય રીતે નક્કી કરી આપવામાં આવે તો અમે કોઈપણ કજીયો-કંકાસ-તકરાર વગર સરકારી જમીન પરનું દબાણ તાત્કાલિક ધોરણે ખાલી કરી આપીશું. આથી ગ્રામપંચાયતના સત્તાધીશો દ્વારા તાત્કાલિક એ દિશામાં કામગીરી ચાલુ કરવામાં આવે છે અને જમીન માપણી માટે નિર્ધારિત કરેલ ફિસ પણ જમા કરવામાં આવે છે, વારંવારની રજૂઆતને પરિણામે જમીન માપણી સંસ્થા દ્વારા જમીન માપણી તો કરી દેવામાં છે પરંતુ સલામતિનું કારણ આગળ ધરી જમીન માપણી સંસ્થા દ્વારા જમીન માપણીનું પરિણામ ગ્રામપંચાયત સત્તાધીશોને હજુસુધી સોંપવામાં આવેલ નથી અને ગ્રામપંચાયતના સત્તાધીશોની વારંવારની વિનંતીને નજરઅંદાજ કરી આજદિન સુધી રૂબરૂ સ્થળમુલાકાત લઇ કેટલી જમીન સરકારી અને ખાનગી છે તેનું વિભાજન નથી કરી આપવામાં આવેલ અને દરવખતે સત્તાધીશો સમક્ષ પોલિસ પ્રોટેકશન વગર અમે આવી શક્યે નહીં એ એકને એક સ્ટેટમેન્ટ ચલાવી આડોળાઈ કરેલ છે જેના લીધે 3 કરતા વધારે વર્ષનો સમય વેડફાય ચૂકેલ છે અને ગ્રામપંચાયત દ્વારા વિવિધ સક્ષમ અધિકારીઓ સમક્ષ વારંવાર વિનંતીઓ કરવામાં આવેલ તેમછતા પ્રબળ ઈચ્છાશક્તિના અભાવે આ કામ આજદિન સુધી અધૂરું જ રહી જવા પામેલ છે.

થોડા સમય પહેલા ગ્રામજનો સાથે ગ્રામપંચાયતના સત્તાધીશો આ બાબતે રજૂઆત લઈને આવેલ હતાં અને તે વખતે અમો આ બાબતે લોકભિમુખ અને કર્તવ્યનિષ્ઠ અધિક નિવાસી કલેકટર શ્રીમતી અનસૂયાબેન ઝા જી સમક્ષ આ પ્રશ્ન લઈને ઉપસ્થિત રહ્યા હતાં પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે બીજા દિવસે એમનો વયમર્યાદાના કારણે તેઓ નિવૃત થઇ રહેલ હોવાથી તેઓ આ બાબતે વધુ કાર્યવાહી કરી શકેલ ન હતાં.અને 6 પરિવારજનોના પુનર્વસનનો પ્રશ્ન હજુપણ વણઉકેલ્યો જ રહ્યો છે. જિલ્લાના મેજિસ્ટ્રેટ અને સમાહર્તા વડા તરીકે જિલ્લા જમીન માપણી વિભાગના જવાબદાર અધિકારીઓને આદેશ આપી જમીન માપણી વ્યવસ્થિત રીતે કરાવી સરકારી દબાણ ખુલ્લું કરવામાં સહકાર અપાવી 6 જેટલાં પરિવારોની જિંદગી સુધારવામાં વલસાડ કલેકટર અમૂલ્ય સહકાર આપશે એવી અપેક્ષા ગ્રામજનો રાખી રહ્યા છે.

આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાના જાણીતાં વકીલશ્રી કેયુર પટેલ અને સામાજિક આગેવાન મયુર પટેલ,ધર્મેશ નાયકા,ઘડોઇ સરપંચ જીતુભાઇ નાયકા,ઉપસરપંચ ધીરુભાઈ પટેલ, સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય કેયુર પટેલ સહિતના તમામે આ બાબતે સહકાર આપવાની ખાતરી આપી છે અને અમે આશા રાખ્યે છીએ કે ગરીબ ગ્રામજનોના લાભાર્થે વલસાડ કલેકટર આ પ્રશ્ન ગંભીરતાથી ધ્યાને લઇ યોગ્ય કાયદાકીય કાર્યવાહીઓ કરશે.