સિનેવર્લ્ડ: આજકાલ સોશ્યલ મીડિયામાં સોનાક્ષી સિંહાનો એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક માણસ સોનાક્ષી સિંહાને તેની જાતિના (દલિત હોવાના) લીધે પોતાના ઘરમાં જતા અટકાવે છે. ત્યારે સોનાક્ષી જવાબ આપે છે કે, ” આ તારા બાપદાદાઓનો સમય નથી આ સંવિધાનનો સમય છે. કાયદા કાનૂનનો સમય છે.”જો તમે આ વિડિયો જોયો હોય અને તમને ગમ્યો હોય તો તમારે સોનાક્ષી સિંહાની આ નવી વેબસિરીઝ જરૂર જોવી જોઈએ. આભડછેટ, દહેજ અને મહિલા વિરોધી સામાજિક વ્યવસ્થા સામે ગર્જના કરતી વેબ સિરીઝ એટલે ‘દહાડ’. ભારતની દરેક છોકરીઓએ અને મહિલાઓએ એકવાર આ વેબ સિરીઝ જરૂર જોવી જોઈએ.બોલિવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહાએ ‘દહાડ’ વેબ સિરીઝ સાથે OTT પ્લેટફોર્મ ઉપર ધમાકેદાર પર્દાપણ કર્યું છે. અને જ્યારે તમે આ વેબ સિરીઝ જોશો ત્યારે તમે ચોક્કસપણે એ વાત સાથે સંમત થઈ જશો કે દહાડનો અભિનય એ સોનાક્ષી સિંહાની કારકિર્દીનો શ્રેષ્ઠ અભિનય છે.

દહાદની વાર્તા સિરિયલ કિલર સાઇનાઇડ મોહન ઉપર આધારિત છે. જે 20 થી 30 વર્ષની છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે લગ્ન કરી પછી તેને સાઇનાઇડ ઝેરની ગોળી આપી મારી નાંખતો હતો અને તેમના ઘરેણાંઓ અને પૈસા લઈ ભાગી જતો હતો. સાઇનાઇડ મોહનનું પાત્ર વિજય વર્માએ ખૂબ જ અસરકારક રીતે ભજવ્યું છે.દહાદ વેબ સિરીઝને રીમા કાગતી અને રૂચિકા ઓબેરોયે નિર્દેશિત કરી છે. જ્યારે તેની વાર્તા રીમા કાગતી, ઝોયા અખ્તર અને રીતેશ શાહ દ્વારા લખવામાં આવી છે. તેનું સંગીત ગૌરવ રૈના અને તરાના મારવાહે આપ્યું છે.દહાડમાં સોનાક્ષી સિંહા એક દલિત (મેઘવાળ) મહિલા પોલીસ અધિકારીનું પાત્ર ભજવી રહી છે. જેના પિતાએ જાતિવાદી લોકોના ત્રાસથી કંટાળી સોનાક્ષીની અટક મેઘવાળથી બદલી ભાટી કરી દીધી હોય છે. અટક બદલવા છતાં પણ સોનાક્ષી સિંહા ને કામની જગ્યાએ, સમાજમાં અને ગામમાં વારેઘડીએ જાતિગત અપમાન સહન કરવા પડે છે. છેલ્લે સોનાક્ષી ફરીથી પોતાની અટક ભાટીમાંથી મેઘવાળ કરી દે છે.

દહાડમાં સિરિયલ કિલરની વાતની સાથે સાથે બીજી અનેક સામાજિક સમસ્યાઓને બખૂબી વણી લેવામાં આવી છે. આભડછેટ, દહેજ પ્રથા અને મહિલા વિરોધી સામાજિક માનસિકતાને નિર્દેશકે બખૂબી પડદા ઉપર ઉતારી છે. તેની વાર્તા તમને શરૂથી અંત સુધી જકડી રાખશે તેમાં કોઈ જ શંકા નથી. તેનું સંગીત ખૂબ જ અસરકારક છે જે તમારી સામે હૂબહૂ રાજસ્થાની માહોલ ઉભો કરી દે છે. સિનેમેટોગ્રાફિ પણ ખૂબ જ અવ્વલ છે. પોલીસ સ્ટેશન, ગામડા અને રોડ રસ્તાઓના દ્ર્શ્યો આપણાં દિલ દિમાગને રાજસ્થાન સાથે જોડી દે છે.આજકાલ રાજકીય પાર્ટીઓમાં ટ્રેંડમાં રહેલા લવ જેહાદના પ્રોપગંડાને નિર્દેશકે અસરકારક રીતે બેનકાબ કર્યો છે. માત્ર જાતિ અને ધર્મ જોઈ ગુજારવામાં આવતા અત્યાચારને અહી રજુ કરવામાં આવ્યો છે.દહાડનું એક દ્ર્શ્ય તમને આભડછેટની વાસ્તવિકતા સાથે રૂબરૂ કરાવે છે. સોનાક્ષી પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેકટર હોય છે. જ્યારે એ જ પોલીસ સ્ટેશનમાં એક કોન્સ્ટેબલ કહેવાતી ઊંચી જાતિનો હોય છે. જ્યારે જ્યારે સોનાક્ષી પોલીસ સ્ટેશનમાં અંદર આવે ત્યારે આ કહેવાતી ઊંચી જાતિનો કોન્સ્ટેબલ ટેબલના ખાનામાંથી અગરબત્તી કાઢી બધે ધુમાડો અર્પણ કરી પોતાને અને પોલીસ સ્ટેશનને પવિત્ર કરે છે. આજની ૨૧ મી સદીમાં પણ પ્રવર્તતી આભડછેટને નિર્દેશકે આ દશ્યના માધ્યમથી અસરકારક રીતે રજૂ કરી છે.

સિરિયલ કિલરનો ભોગ બનનારી તમામ છોકરીઓ 20 થી 30 વર્ષની ગરીબ અને મધ્યમવર્ગ ઘરની હોય છે. જેઓ ઘર તરફથી સતત લગ્ન કરવા માટે કરવામાં આવતા દબાણ અને દહેજની મોટી મોટી માંગણીઓથી કંટાળી સિરિયલ કિલરના ખોટા પ્રેમમાં ફસાય છે અને આખરે પોતાનો જીવ ગુમાવે છે. છોકરી જવાન થાય એટલે પરણાવી જ દેવી જોઈએ આવી સમાજની સડી ગયેલી વ્યવસ્થા અને તેના દુષ્પરિણામોને આ સિરીઝમાં વાસ્તવિક રીતે રજૂ કરવામાં આવ્યા છે.ગાયબ થઈ ગયેલી અને મારી નાંખવામાં આવેલી તમામ છોકરીઓના ઘરે સોનાક્ષી સિંહા તપાસ કરવા માટે જાય છે ત્યારે દરેક છોકરીના માં બાપને સોનાક્ષી સિંહા પૂછે છે કે, શું તમને તમારી છોકરીની ચિંતા નથી થતી? ત્યારે દરેક છોકરીના માં બાપ એક જ જવાબ આપે છે કે તે સમાજમાં અમને નીચું બતાવીને કોઈની જોડે ભાગી ગઈ છે હવે જીવે કે મરે અમારે શું? સમાજનાં ડરે પોતાની દીકરીને પણ મારી નાંખવા માટે તૈયાર થઈ જતા માં બાપ ભારતની સડી ગયેલી સામાજિક વ્યવસ્થાને રજૂ કરે છે. આ વેબ સિરીઝમાં લગ્નેત્તર સબંધોને પણ છૂટથી રજૂ કરવામાં આવ્યા છે. જે આજના સમયની નક્કર વાસ્તવિકતા છે

એક દ્રશ્યમાં પોલીસ ઇન્સ્પેકટરની પત્ની પોતાની નાનકડી દીકરીને સ્પર્ધામાં ભાગ લેવા માટે ઘરની બહાર પણ મોકલવા તૈયાર થતી નથી. અને રીતસર તેના પતિ સાથે ઝગડો કરે છે જ્યારે તેનો પતિ લડીને પણ તેની દીકરીને સ્પર્ધામાં ભાગ લેવા બહાર મોકલે છે. મહિલાઓ જ મહિલાઓની આઝાદીની વિરોધી હોય છે તે મુદ્દાને પણ અહી સરળ રીતે સમજાવ્યો છે.ફિલ્મનું નિર્દેશન અને સિનેમેટોગ્રાફી એટલી અસરકારક છે કે તમે જાણે રાજસ્થાનમાં જ રહેતા હોવ તેવું અનુભવશો. અંતમાં જ્યારે પ્રથમવાર મુંબઈનો સીન આવે ત્યારે તમને થોડું અલગ લાગે તેવી અસર તમારા ઉપર રહી જશે એ ચોક્કસ છે.આમ તો સામાન્ય રીતે સામાજિક સમસ્યાઓ ઉપર ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ બનતી હોય છે પણ ઘણા ઓછાં અંશે તેમાં તથ્યો અને વાસ્તવિકતા સાથે છેડછાડ કરવામાં આવતી હોય છે. પરંતુ દહાડમાં સામાજીક સમસ્યાઓને તેના મૂળ સ્વરૂપે અને બેબાક રીતે રજૂ કરી છે તે ખરેખર કાબિલેદાદ છે. આજકાલ ચાલી રહેલી પ્રોપગંડા ફિલ્મોને બદલે આવી ફિલ્મો અને વેબ સીરીઝ વધુને વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરવા જોઈએ. આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઈમ ઉપર ઉપલબ્ધ છે.

BY મિતેશ ઢોડિયા(FB માંથી)