મુંબઇ: ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માને તેમના હોમ ગ્રાઉન્ડ, મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં એક ખાસ સન્માન મળ્યું. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ તેમના નામ પર એક સ્ટેન્ડ સમર્પિત કર્યું – “રોહિત શર્મા સ્ટેન્ડ”. સમારોહ દરમિયાન, જ્યારે રોહિતે આ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે તેઓ ભાવુક થઈ ગયા.

રોહિતે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને સમારોહમાં આપેલા ભાષણમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં કહ્યું, “હું બિલકુલ એ જગ્યાએ ઊભો છું જેની બરાબર પાછળ રેલ્વે ટ્રેક છે. મને યાદ છે, અમે ટ્રેનથી આવતા હતા, માત્ર વાનખેડે સ્ટેડિયમની એક ઝલક મેળવવા માટે. તે સમયે માત્ર સ્ટેડિયમની બહારથી જોવું પણ એક સપનું પૂરું થવા જેવું લાગતું હતું.”

તેમણે વધુ કહ્યું, “જ્યારે હું પહેલીવાર 15 વર્ષની ઉંમરે આ સ્ટેડિયમની અંદર આવ્યો હતો, ત્યારે હું રણજી ટ્રોફીની પ્રેક્ટિસ જોવા આવ્યો હતો. ત્યારે મુંબઈ ક્રિકેટના તમામ મોટા ખેલાડીઓ મેદાનમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. હું ધીરે ધીરે સ્ટેન્ડ તરફ વધ્યો, અને આજે એ જ સ્ટેન્ડ પર મારું નામ છે. આ એક એવો અનુભવ છે જેને શબ્દોમાં વ્યક્ત કરવું સહેલું નથી.”

MCAનો આભાર માનતા જણાવ્યુ કે તેમણે જે રીતે તેમને આ સન્માન આપવાનો નિર્ણય લીધો, તે તેમના માટે ખૂબ જ ખાસ છે. “આ સ્ટેન્ડ હંમેશા રહેશે – ભલે હું રહું કે ન રહું. આ નામ અહીં હંમેશા માટે રહેશે,” તેમણે કહ્યું. આ સન્માન એક એવા ખેલાડીને મળ્યું છે જેણે ક્રિકેટના દરેક ફોર્મેટમાં ભારત માટે અદ્ભુત યોગદાન આપ્યું છે – પછી તે 2019નો વિશ્વ કપ હોય, T20માં તેમની શાનદાર ઇનિંગ્સ હોય, કે પછી કેપ્ટન તરીકે તેમની ઉપલબ્ધિઓ હોય. વાનખેડે સ્ટેડિયમ, જ્યાંથી તેમનું સપનું શરૂ થયું હતું, આજે એ જ સપનાને અમર બનાવી રહ્યું છે.