વલસાડ: વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેતી અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન પહોંચાડયું છે. જિલ્લા બાગાયત અને ખેતીવાડી વિભાગના સર્વે મુજબ સૌથી વધુ નુકસાન કેરીના પાકને થયું છે.વલસાડ જિલ્લામાં 38,000 હેક્ટર જમીનમાં આંબાવાડી છે.

ભારે પવન અને કમોસમી વરસાદને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે. આ ઉપરાંત શાકભાજી, ડાંગર અને શેરડીના તૈયાર પાકોને પણ નુકસાન થયું છે.Decision news ને મળેલી માહિતી મુજબ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ 16 ટીમોએ સર્વે હાથ ધર્યો છે. સર્વેમાં અંદાજે 7,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીના પાકને નુકસાન થયાનું સામે આવ્યું છે.

શેરડી, ભીંડા, તુવેર અને અન્ય લીલા શાકભાજીમાં 15થી 20 હેક્ટર વિસ્તારમાં નુકસાનની શક્યતા છે. ધરમપુર અને કપરાડા વિસ્તારમાં સૌથી વધુ નુકસાન થયું છે. આંબાવાડીમાં 20 ગામોના ખેડૂતોને અસર થઈ છે. હાલ 80 ટકા સર્વે પૂર્ણ થઈ ગયો છે. સર્વે પૂર્ણ થયા બાદ નુકસાનીનો રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે અને ખેડૂતોને વળતર માટેના પ્રયાસો કરવામાં આવશે.