જેઓએ ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દોકોષ આપ્યો અને સમાજને એક નવી રાહ ચિંધી હતી તેવા કવિ નર્મદને એમની જન્મજયંતિ નિમિતે ગૌરવપૂર્ણ રીતે યાદ કર્યા
સુરત : જય જય ગરવી ગુજરાતના રચયિતા અને અર્વાચીન સાહિત્યના આદ્ય ગણાતા સુરતના પનોતા પુત્ર પત્રકાર/ કવિ/ લેખક/ સમાજ સુધારક નર્મદની જન્મજયંતી ગઈ કાલે મહાનગરપાલિકાના મેયર ડો.જગદીશ પટેલના હસ્તે ખાદીના સુતરની આટી પહેરાવીને નર્મદવંદના સાથે કરવામાં આવી. આ કાર્યક્રમમાં ડે. મેયર નિરવ શાહ તથા પાલિકાના અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કવિ નર્મદને તેમની જન્મજંયતિ નિમિત્તે નમન કર્યા હતા.
સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે…આવા શબ્દોથી લોકોમાં સ્વતંત્રતા મેળવવા માટે જુસ્સો જગાવનાર તેમના વિચારોની આંધીથી ઇતિહાસ સર્જાયો હતો, જેમણે સમાજને એક નવી દિશા બતાવી, જેમણે ગુજરાતી ભાષાનો પહેલો શબ્દ કોષ આપ્યો, જેમણે પત્રકારત્વના ક્ષેત્રમાં અને સાહિત્યના ક્ષેત્રમાં- કવિતાઓ, નિબંધ અને લેખોમાં સત્ય, સંઘર્ષ, ટેક અને નેમથી સમાજમાં આમૂલ પરિવર્તન આણ્યું એવા વીર કવિ નર્મદને જન્મ દિવસ પર દક્ષિણ ગુજરાતના જનસમૂહો દ્વારા સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવવામાં આવી અને સૌએ યાદ કરીને નમન કર્યા હતા.
તાપીના કિનારે સુરતમાં જન્મેલા કવિ નર્મદ દ્વારા ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે શરૂ કરાયેલા પખવાડિક ‘ડાંડિયો’ માં કોઈ પણ વિષય પર અને કોઈ વ્યક્તિ વિશેષ પર લખાણ લખવા માટે ક્યારેય તેઓ સત્ય માટે સમાધાન કરતા નહિ. જે હકીકત હોય તેના પર બેસંકોચ-બેધડક અને કોયનાએ દબાણ હેઠળ ન આવતા નીડર પણે લખતા. ગુજરાતી ભાષામાં ગદ્યના પિતા કહેવાતા નર્મદના ગદ્યનું સૌન્દર્ય ‘ડાંડિયો’નાં લખાણોમાં જોવા મળે છે. દક્ષિણ ગુજરાત માટે આનાથી મોટું બીજું કયું ગૌરવ હોઈ શકે.
વીર નર્મદને યાદ કરીએ ત્યારે સ્વદેશ અને અભિમાન જેવા શબ્દોરૂપી છબી આપણા સામે તરવરી આવે છે. નર્મદની નિખાલસતા અને પારદર્શિતાપણાને અનુભવવા તેમની આત્મકથા ‘મારી હકીકત’ સૌએ એકવાર તો જરૂર થી વાંચવી જ રહી. સમાજ સુધારક, લોકશિક્ષક, સ્વતંત્રતાની ઝુંબેશ ચલાવાનારા અને જીવનના ઘણી બધી દિશામાં પ્રથમ પગલું ભરનાર નર્મદ આપણી સૌની યાદોમાં સદા સ્મરણ રહેશે.
સંદર્ભ: નવગુજરાત સમય