નવસારી:નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામમાં વારંવાર દીપડાના દર્શન થતા હતા. સ્થાનિક રહીશોએ વન વિભાગને પાંજરું મૂકવાની રજૂઆત કરી હતી. અલ્પેશભાઈ પટેલના ખેતરમાં મૂકવામાં આવેલા પાંજરામાં આશરે 5 વર્ષની ઉંમરનો દીપડો પકડાયો છે. વેટરનરી ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા દીપડો સ્વસ્થ જણાયો છે. વન વિભાગે તેને જંગલમાં છોડવાની કાર્યવાહી શરૂ કરી છે.
વન વિભાગના જણાવ્યા મુજબ, દીપડો સામાન્ય રીતે નીચે વળીને કામ કરતા ખેડૂતોને શિકાર સમજે છે. નાના બાળકો, કૂતરા, ભૂંડ અને મરઘા પણ તેના મુખ્ય શિકાર છે. વન વિભાગે ખેડૂતોને સમયાંતરે ઊભા થઈને કામ કરવાની સલાહ આપી છે.ગ્રામ્ય વિસ્તારના લોકોએ સુરક્ષા માટે ઘર પાસે સીસીટીવી કેમેરા લગાવવાનું શરૂ કર્યું છે.
Decision news ને મળેલી માહિતી મુજબ કેમેરામાં દીપડાની હલચલ કેદ થતાં વન વિભાગને તુરંત જાણ કરવામાં આવે છે. નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં દીપડાની વસ્તી વધી રહી છે. સ્થાનિકો દીપડા સાથે સહઅસ્તિત્વ કેળવવા માટે વન વિભાગ પાસે જાગૃતિ કાર્યક્રમોની માંગ કરી રહ્યા છે. દીપડો ખેતીને નુકસાન કરતા ભૂંડનો શિકાર કરતો હોવાથી ખેડૂતોનો મિત્ર પણ ગણાય છે.

