ગુજરાત: પૂરા વિશ્વને ધુરજાવી દેનારી 21મી સદીની સૌથી ભયાનક મહામારી કોરોના વાયરસની આજ થી બરાબર પાંચ વર્ષ પહેલા ગુજરાત અને રાજકોટમાં એન્ટ્રી થઇ હતી. 18-3-2020ના રોજ રાજકોટ અને સુરતમાં એક સાથે કોરોનાના પ્રથમ કેસ આવ્યા હતા.
તે બાદ સૌ પહેલા નાનુ અને તે બાદ મોટુ લોકડાઉન આવતા પૂરો દેશ લોક થઇ ગયો હતો. આ મહામારીને આજે પાંચ વર્ષ થતા કપરા સમયમાંથી પસાર થયેલા લોકો આજે પણ આ દિવસો યાદ કરીને ધુરજી જાય છે. શાળા-કોલેજો, બજારો, જાહેર સ્થળો, સરકારી કચેરીઓ બધુ જ બંધ કરી દેવાની ફરજ પડી હતી. આ કપરા કાળમાં ઓનલાઇન અને વર્ક ફ્રોમ હોમનો નવો રસ્તો પણ ખુલ્યો હતો.
મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. સારવારથી માંડી ઓકસીજન મેળવવા માટે પણ લાઇનો હતી. અનેક લોકોના ઘરે જ અવસાન થયા હતા. એક રીતે હવે વાયરસ કોને પકડશે તેવી રોજ ચર્ચા થતી હતી. કોરોનામાં લગભગ એકે એક ઘરમાંથી કોઈને કોઈ વ્યકિતને સંક્રમણ લાગી ગયું હતું. બેડ ખુટી પડવાની સ્થિતિ પણ લોકોએ પહેલીવાર જોઇ હતી. કોરોનાને હવે પાંચ વર્ષ થયા છે પરંતુ આ કપરા સમયને માત્ર ગુજરાત જ નહિ દેશના કોઇપણ ખુણાના લોકો ભુલી શકે તેમ નથી. ખાસ કરીને બાળકો અને તરૂણો પણ હજુ ઘરમાં કેદ થઇ જવાની હાલત ભૂલી શકયા નથી.

