કપરાડા: કપરાડા તાલુકાના નાનાપોઢા બિરસા મુંડા સર્કલ ખાતે 14 ફેબ્રુઆરી 2019ના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPFના 40 જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ કાર્યક્રમ નિવૃત્ત પેરામિલિટરી સંગઠનના જનરલ સેક્રેટરી ખુશાલભાઈ વાઢું અને પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીની ઉપસ્થિતિ રહ્યા અને નિવૃત્ત જવાનો, વિરાંગના બહેનો, અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.

કપરાડાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીએ શહીદ જવાનોના પરિવારજનો માટે સરકાર તેમજ સમાજના સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, “અમારા જવાનો માઇનસ 10 ડિગ્રી તાપમાનમાં બોર્ડર પર સેવા આપે છે. તેમની શહાદતને કદી ભૂલી શકાય નહીં. શહીદોના કુટુંબોને સન્માન આપવું અને તેમને સહાયતા પહોંચાડવી એ સમાજનો ધર્મ છે.” વિરાંગના બહેનોની હિંમત અને સમર્પણની પણ પ્રશંસા કરવામાં આવી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, સામાજિક આગેવાનો રમેશભાઈ ગાવીત, વિપુલભાઈ ભોયા, મંગુભાઈ ગાવીત, રમતુભાઈ ચૌધરી અને દક્ષાબેન ચૌધરી સહિત ઘણા નાગરિકો, નિવૃત્ત સૈનિકો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિશેષ કરીને, શહીદોના પરિવારોને ભાવિમાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે સહકાર આપવાની પ્રાર્થના કરવામાં આવી હતી. શહીદોના સમ્માનમાં, બિરસા મુંડા સર્કલ ખાતે મિલબત્તી પ્રગટાવી શહીદોના બલિદાનને સ્મરણ કરવામાં આવ્યું. કાર્યક્રમની અંતે, જનરલ સેક્રેટરી ખુશાલભાઈ વાઢુંએ જણાવ્યું કે, “આવી શ્રદ્ધાંજલિ કાર્યક્રમો દ્વારા અમે આપણા શહીદો માટે નમન કરી શકીએ છીએ અને યુવાનોમાં રાષ્ટ્રસેવાના સંદેશને પ્રેરિત કરી શકીએ છીએ.”