પારડી: આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા અને JCI વલસાડના સંયુક્ત ઉપક્રમે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામ ખાતે નિઃશુલ્ક આંખોની તપાસ અને મફત ચશ્મા વિતરણ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ કેમ્પનું મુખ્ય ઉદ્દેશ્ય આંખોની તકલીફ ધરાવતા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને નિઃશુલ્ક તપાસ અને ચશ્મા ઉપલબ્ધ કરાવવું હતું. આ કેમ્પમાં 385 થી વધુ લોકોએ લાભ લીધો અને જરૂરી સારવાર તેમજ મફત ચશ્મા પ્રાપ્ત કર્યા.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાતના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આરોગ્યલક્ષી સેવાઓ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડવા માટે અનેકવિધ સેવાકીય પ્રકલ્પો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિગમ હેઠળ યોજાયેલા આ કેમ્પ દ્વારા લોકોને સમયસર સારવાર અને દ્રષ્ટિ સુધારવા માટેની જરૂરી સહાયતા મળી.

આ કેમ્પના સફળ આયોજનમાં ખેરલાવ ગામના સરપંચ શ્રી મયંકભાઈ પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તેઓ હંમેશા ગામના વિકાસ અને આરોગ્યલક્ષી સેવાઓ માટે પ્રયત્નશીલ રહે છે, જે કારણે ખેરલાવ ગામ અન્ય ગ્રામ પંચાયતો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. આ સેવાકીય અભિયાનને સફળ બનાવવા માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, JCI વલસાડ, ગ્રામ પંચાયત અને સ્વયંસેવકોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.

કાર્યક્રમ દરમિયાન JCI પ્રેસિડેન્ટ જેસી વિક્રમ રાજપૂરોહીત, વાઇસ પ્રેસિડેન્ટ પી.આર જેસી કિશોર તોલાની, જેસી મયુર મિસ્ત્રી, જેસી આદિત્ય ચાપાનેરી જેસી દિપક તોલાની, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત થી હિમાંશુભાઈ, બળદેવભાઈ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વલસાડ થી ડૉ અભિષેક મિસ્ત્રી, ચેતન પટેલ તેમજ ગ્રામ પંચાયત સભ્ય ભિખુભાઈ, નિલેશભાઈ તેમજ ગામના અગ્રણી ઠાકોર ભાઈ, પ્રવિણભાઈ હાજર રહ્યા હતા.