ડાંગ: સમસ્ત રાજ્યમાં નગરપાલિકા,મહાનગરપાલિકા અને જિલ્લા તથા તાલુકાઓની સામાન્ય પેટા ચૂંટણી જાહેર થયેલ છે.ત્યારે આ પેટા ચૂંટણીઓને લઈને ભાજપા,કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ હરકતમાં આવતા માહોલ ગરમાયો છે.જેમાં ડાંગ જિલ્લા પંચાયતની વાત કરીએ તો ડાંગ જિલ્લા પંચાયતમાં કુલ 18 બેઠકની સંખ્યાબળ ધરાવે છે.જેમાંથી 17 સદસ્યો ભાજપાનાં ચૂંટાયા હતા.જ્યારે 1 સદસ્ય કોંગ્રેસનો ચૂંટાયો હતો.
Decision News ને મળતી માહિતી મુજબ જેના પગલે જિલ્લા પંચાયતની બાગડોર ભાજપાનાં હાથમાં જોવા મળે છે.જેમાં થોડા સમય પહેલા 10-કડમાળ બેઠકનાં ભાજપાનાં જિલ્લા સદસ્ય લક્ષ્મીબેન મોહનભાઈ ચૌધરીનું આકસ્મિક નિધન થતા આ બેઠક ખાલી પડી હતી.જેથી ચૂંટણી પંચ દ્વારા ડાંગ જિલ્લાનાં કડમાળ જિલ્લા સીટની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ છે.ત્યારે ડાંગ જિલ્લા પંચાયતની કડમાળ આદિજાતિ સ્ત્રી બેઠક માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા એલિશાબેન ગુલાબભાઈ ચૌધરીને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવેલ છે.તેમજ કોંગ્રેસનાં ઉમેદવાર દ્વારા સુબીર મામલતદાર કચેરીએ પોહચી ઉમેદવારી ફોર્મ પણ ભરવામાં આવ્યુ હતુ.
જેમા મોટી સંખ્યામાં કોંગ્રેસનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે બીજી તરફ આજરોજ ગુજરાત ભાજપા પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા ડાંગ જિલ્લા પંચાયતની કડમાળ બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી છે.ગુજરાત ભાજપા પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા ડાંગની કડમાળ બેઠકની પેટા ચૂંટણી માટે લતાબેન નાનુભાઈ લોત્યા રે.ઢોંગીઆંબા તા.સુબિરને ઉમેદવાર તરીકે જાહેર કરેલ છે.ત્યારે અહી મહિલાઓ વચ્ચે ચુંટણીમાં જંગ જામશે એવુ જોવા મળી રહ્યું છે.જોકે ચુંટણીના અંતિમ દિવસોમાં જ ચિત્ર સ્પષ્ટ થશે એવી ચર્ચાએ પણ જોર પકડયું છે.ત્યારે આવનાર દિવસોમાં ડાંગ જિલ્લાની કડમાળ સ્ત્રી આદિજાતિ બેઠક પર કયો પક્ષ બાજી મારશે તે સમય જ બતાવશે..