ભરૂચ: ભરૂચ જિલ્લાના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે મામલતદાર કચેરી ખાતે ‘મારી યોજના’ પોર્ટલ હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં શરૂ થયેલા આ પોર્ટલ દ્વારા નાગરિકો 26 વિભાગોની 680થી વધુ યોજનાઓની માહિતી માત્ર એક ક્લિકમાં મેળવી શકશે.

આ પોર્ટલ http://mariyojana.gujarat.gov.in પર ઉપલબ્ધ છે, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓની માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મળી રહેશે. પોર્ટલમાં આવાસ, શિક્ષણ,ભાષામાં મળી રહેશે. પોર્ટલમાં આવાસ, શિક્ષણ, આરોગ્ય, ખેતી, રોજગાર, પશુપાલન સહિતના 17 વિભિન્ન સેક્ટરની યોજનાઓ સમાવિષ્ટ છે. નાગરિકો પોતાની જરૂરિયાત અને પાત્રતા મુજબ યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાંત અધિકારી મનિષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે હેલ્પ ડેસ્કની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ નવતર પહેલથી સરકારી યોજનાઓનો લાભ નાગરિકોને વધુ પારદર્શી અને ઝડપી રીતે મળી રહેશે. નાગરિકો લેપટોપ, મોબાઈલ કે ટેબલેટ દ્વારા પોર્ટલનો ઉપયોગ કરી શકશે અને નવી યોજનાઓની માહિતી પણ સરળતાથી મેળવી શકશે.