વલસાડ: વલસાડ જિલ્લામાં વાપી મહાનગરપાલિકાના નિર્માણ બાદ કપરાડા તાલુકાના વિભાજન અંગે નવી માંગ ઉઠી છે. નાનાપોંઢા અને મોટાપોંઢાના સ્થાનિક અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નવા તાલુકાની રચના માટે રજૂઆત કરી છે.

Decision News ને મળતી માહિતી મુજબ વાપી મહાનગરપાલિકામાં વાપી તાલુકાના 11 ગામોનો સમાવેશ થયા બાદ, કપરાડા મતદાર વિભાગમાં આવતા કવાલ, કરાયા, દેગામ સહિત 13 ગામો અને કપરાડા તાલુકાના નાનાપોંઢા, મોટાપોંઢા, અંભેટી સહિત 22 ગામોનો સમાવેશ થાય છે. આ તમામ ગામોની કુલ વસ્તી 1.50 લાખથી વધુ છે.

સ્થાનિક અગ્રણીઓના મતે, નાનાપોંઢા અથવા મોટાપોંઢાને નવો તાલુકો બનાવવામાં આવે તો આ વિસ્તારના ગામોને વધુ સારી સુવિધાઓ મળી શકશે. વર્તમાનમાં વિકાસના કામો માટે લોકોને કપરાડા સુધી જવું પડે છે. નોંધપાત્ર બાબત એ છે કે આ બંને ગામોમાં તાલુકા કક્ષાની મોટાભાગની સુવિધાઓ ઉપલબ્ધ છે અને નવા તાલુકાની રચનાથી કપરાડા તાલુકાને કોઈ નકારાત્મક અસર થશે નહીં.