ભરૂચ: ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી પોલીસને મળી, સમજાવીને પરિવાર સાથે મિલન કરાવ્યું ઉત્તરપ્રદેશના આગ્રાની રહેવાસી સગીરા પર પરિવારના સભ્યો લગ્ન માટે દબાણ કરી રહયાં હોવાથી તે ઘર છોડી ભાગી આવી હતી. આ બાળકી ભરૂચના રેલવે સ્ટેશન પરથી પોલીસને મળી આવતાં તેનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2-3 પર 15 વર્ષની એક બાળકી કેટલાંય સમયથી એકલી બેસેલી હોય ત્યાં પેટ્રોલીંગ કરતાં રેલવે પોલીસના કર્મીઓ તેના અંગે પુછપરછ કરી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ સગીરાને તેના માતા-પિતા સહિતની બાબતની પુછતાછ કરતાં તેણે રડમસ અવાજે જણાવ્યું હતું કે, તે ઘર છોડીને ભાગી આવી છે. જેથી પોલીસે તેને આશ્વાસન આપી પાણી – ભોજન કરાવ્યાં બાદ તેને થોડી સ્વસ્થ્ય કર્યા બાદ વધુ પુછપરછ કરી હતી. તેણે પોલીસ પર વિશ્વાસ બેસતાં જણાવ્યું હતું કે, તેઓ મુળ યુપીના આગ્રા પંથકના વતની છે અને મજૂરીકામ અર્થે હાલમાં મહારાષ્ટ્રના અક્કલકૂવા ખાતે પરિવાર સાથે રહે છે. પોલીસે તેના ઘર છોડવા પાછળનું કારણ પૂછતાં તેણે ચોંકાવનારી વિગતો જણાવી હતી. તેણે કહ્યું હતું કે, તે હજી 15 વર્ષની છે અને તેના માતા-પિતા તેના લગ્ન કરાવવા માગતાં હતાં. તે લગ્ન કરવા ન માગતી હોવા છતાં તેના પરિવારજનો તેના લગ્ન માટેના પ્રયાસો કરી રહ્યાં હતાં. જેથી તે ઘરે કોઇને કહ્યાં વિના નિકળી આવી હતી. તે ભરૂચ રેલવે સ્ટેશન સુધી કેવી રીતે પહોંચી તે પુછતાં તેણે જણાવ્યું હતું કે, તે ઘરમાંથી કપડાનો થેલો લઇને પોતાના ગામ જવા માટે નિકળી હતી.
તેણે અક્કલકૂવાથી કોઇ ટ્રેનમાં ટિકિટ વિના બેસીને અંક્લેશ્વર ખાતે આવી હતી. જ્યાંથી તે બીજી ટ્રેનમાં બેસી ભરૂચ રેલવે સ્ટેશને પહોંચી હતી. પોલીસે તેનામાં વિશ્વાસ સંપાદન કરી તે તેના માતા-પિતાનો સંપર્ક કર્યો હતો. જે બાદ તેના માતા-પિતા ભરૂચ રેલવે સ્ટેશને આવતાં ઇન્ચાર્જ પીઆઇ એસ. કે. રાણાએ તેના માતા-પિતાને બાળલગ્ન એ ગુનો છે તે બાબતે સમજણ આપી હતી. બીજી તરફ બાળકીને પણ આવી રીતે ઘર છોડીને જવું એક ગંભીર બાબત હોવા સાથે કોઇ અસામાજિક તત્વોના હાથમાં સપડાય તો શું થાય તેની સમજણ આપતાં બાળકી તેના માતા-પિતા સાથે જવા તૈયાર થતાં રેલવે પોલીસે તેમનું મિલન કરાવ્યું હતું. પોલીસે સગીરાના પરિવારજનોને બોલાવી બાળકી તેમને સોંપી હતી.