છોટાઉદેપુર: ગતરોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા ગામ ખાતે આદિવાસી સમાજનો સ્નેહમિલન અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજર લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, આજે નવા વર્ષ નિમિત્તે હું પ્રકૃતિ સમક્ષ પ્રાર્થના કરું છું કે આવનારું નવું વર્ષ તમામ લોકો માટે સુખ સમૃદ્ધિ અને શાંતિની સાથે સાથે સ્વચ્છ નિરોગી આરોગ્ય પ્રદાન કરે.
તેમણે વધુમાં જણાવ્યું કે ઊંચી ઊંચી બિલ્ડીંગો બનાવીને કે મોટી નહેરો કે હાઇવે બનાવીને આદિવાસીઓનો વિકાસ થશે નહીં, પરંતુ આદિવાસી લોકોને શિક્ષણ આપો, આદિવાસીઓને પીવાનું અને સિંચાઈનું પાણી આપો, આદિવાસી લોકોને રોજગાર આપો તો જ આદિવાસી લોકોનો વિકાસ થશે. બહારથી આવતા સરકારના મળતીયાઓ અને NGOના લોકો આપણા આદિવાસી લોકોના બજેટ પર જીવી રહ્યા છે.
આ વિસ્તારમાં કેટલાક લોકો નેતા બનીને ફરે છે, તે લોકોને હું કહેવા માગું છું કે આદિવાસી લોકોને અંદર અંદર લડાવવાનું બંધ કરી દો. જો અમારા નર્મદાના વિસ્થાપિત લોકોને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં અમે નર્મદા નહેર બંધ કરી દઈશું. નર્મદા ડેમ આપણો છે, નર્મદામાં પેદા થતી વીજળી આપણી છે, નર્મદાનું પાણી પણ આપણું છે, અહીં ખાણોમાંથી નીકળતો કોલસો પણ આપણો છે અને લિગ્નાઈટ પણ આપણું છે. આ તમામ હકો અમે તમને અપાવવા માટે તૈયાર છીએ, હવે તમે અમારો સાથ આપો તો આપણે આપણા હક્કોને લઈને જ રહીશું.

