ઝાલોદ: ગતરોજ ઝાલોદના ટાઢાગોળા તેમજ શારદા ગામમાં એરપોર્ટની જમીન માટે સર્વે કરવા પહોંચેલા ઈન્ડિયન એરપોર્ટ ઓથોરીટીની ટીમને પુનઃ એકવાર ગ્રામજનોનો વિરોધનો સામનો કરવો પડ્યો. જવાબદાર તંત્રના અધિકારીઓને ખેડૂતોએ કહ્યું હતું કે, ખાનગી જ નહીં જંગલની પણ એક ઈંચ જમીન અમે નહીં આપીશું, અમારે અહીં ગામમાં બસ આવતી નથી, અમને પાયાની સુવિધા આપો, એરપોર્ટની અમારે જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે સરકારે ઝાલોદમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. ઝાલોદમાં એક તરફ દિલ્હી-મુંબઈ કોરીડોર મામલાનો વિરોધ થંભી રહ્યો નથી ત્યા તો ઝાલોદ તાલુકામાં સરકાર દ્વારા એરપોર્ટ બનાવવાની જાહેરાત સાથે ઝાલોદના ટાઢાગોળા તેમજ શારદા ગામના ખેડૂતો દ્વારા આ એરપોર્ટના સર્વેની કામગીરીનો અત્યારથી જ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. દાહોદ જિલ્લા કલેક્ટરે ખેડૂતો સાથે મીટિંગ યોજી જંગલની જમીનોનો એરપોર્ટની કામગીરીમાં સર્વે કરવામાં આવશે, તેવી ખેડૂતોને બાંહેધરી આપી હતી.

ખેડૂતો દ્વારા ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાને આવેદનપત્ર પણ આપી આ એરપોર્ટના સર્વેનો વિરોધ નોંધાવ્યો હતો. ધારાસભ્યએ પણ ખેડૂતોની સાથે ઉભા હોવાનું આશ્વાસન આપ્યું હતું. જ્યાં પોતાની માલિકી તેમજ જંગલની એક ઈંચ જમીન પણ એરપોર્ટ માટે આપવા માંગતા ન હોવાનું અહીંના ખેડૂતો જણાવે છે.  ખેડૂતો કહે છે કે આવનાર દિવસોમાં જો એરપોર્ટની કામગીરીને રદ્દ કરવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધી ચિન્ધ્યા માર્ગે જઈ વિરોધ કરશે.

 

 

 

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here