ગરુડેશ્વર: આજે પણ આદિવાસી વિસ્તારના ગામોમાં આરોગ્યની સ્થિતિ કેવી કથળેલી હાલતમાં છે તેનું ઉદાહરણ પૂરું પડતો કિસ્સો સામે આવ્યો છે નર્મદાના ગરુડેશ્વર તાલુકાનાં ચોપાટ ગામ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 10 કિલોમીટર દૂર રોડ ન હોવાના કારણે એમ્બ્યુલન્સ ન પહોંચતા મહિલાએ રસ્તામાં બાળકને જન્મ આપ્યો હતો.

આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ એક ગંભીર ઘટના પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડે છે, પરંતુ ગામમાં રસ્તા ન હોવાના કારણે તેમના ગામ સુધી એમ્બ્યુલન્સ કે આરોગ્યનો કોઈ સ્ટાફ પણ પહોંચી શકતો નથી. ત્યારે ગામના લોકો જોલીમાં ઊંચકીને આ મહિલાને પગદંડી પર લઈ જાય છે, ત્યારે રસ્તામાં જ આ મહિલાને પ્રસુતિ થાય છે અને આ મહિલા બાળકને જન્મ આપે છે. સમગ્ર દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાતો કરનાર ભાજપ સરકારને આ ઘટના વિશે ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારમાં વાસ્તવિક પરિસ્થિતિ કેટલી ગંભીર છે.

જ્યાં ભાજપે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે, એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી ફક્ત 10 કિલોમીટર દૂરના ગામમાં આટલી ગંભીર પરિસ્થિતિ છે. આજે પણ આ વિસ્તારના ગામોમાં શિક્ષણ હોય, સિંચાઈ હોય, આરોગ્યની પરિસ્થિતિ હોય, પીવાના પાણીની વાત હોય કે રોજગારની વાત હોય, આવી તમામ બાબતોમાં આ વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયો છે. દેશ આઝાદ થયાને આજે 10-20 વર્ષ નહીં પરંતુ 78 વર્ષ થયા છે, તેમ છતાં પણ આદિવાસી વિસ્તારોમાં આવી પરિસ્થિતિ છે. સરકારે આ વરવી વાસ્તવિકતાની સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં સારા રોડ રસ્તા બને અને જે લોકો અત્યાર સુધીની પરિસ્થિતિ માટે જવાબદાર છે તેમના પર કાયદેસરની કાર્યવાહી થાય, એવી અમારી માંગ છે. આવનાર દિવસોમાં અમે આ પરિવારની મુલાકાત લઈશું.