અંકલેશ્વર: આજરોજ અંકલેશ્વર તાલુકાના નવા તરીયા ગામ ખાતે વર્ષ 1994 માં ફરજ બજાવતા પૂર્વે તલાટી કમ મંત્રી મયજીભાઈ તલાટી કમ મંત્રીને ફરજ દરમિયાન સરકારી નાણાંની ઉચાપત મામલે કોર્ટ દ્વારા એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા તરીયા ખાતે વર્ષ 1994 માં 22 ફેબ્રુઆરી પૂર્વે તલાટી કમ મંત્રી મયજીભાઈ મગનભાઈ ગોહિલ ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન પંચાયતના કરના રૂપિયા 1656.64 પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા હતા. હાથ પરની કર વસુલાતની સિલક પોતે રાજ્ય સરકારના સેવક હોવા છતાં વાપરી નાંખી હતી અને રોજમેર નહિ લખી વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે તત્કાલીન ટી.ડી.ઓ જે પી બ્રહ્મભટ્ટ દ્વારા વિશ્વાસઘાત અને ઉચાપત અંગે મયજીભાઈ મગનભાઈ ગોહિલ વિરુદ્ધ ઈપીકો કલમ 409, ઈપીકો કલમ 406 અને 477 અ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને જેની ચાર્જશીટ 24-01-1996 ના રોજ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન આરોપી એક જ વાર હાજર રહ્યા હતા. ત્યારબાદની ટ્રાયલ સમયે આરોપી હાજર રહેતા ન હતો. જે અંગે કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કરી પોલીસ એજન્સીને આરોપી ને કોર્ટ સમક્ષ હાજર કરવા સમન્સ પાઠવ્યું હતું. જે બાદ મહામુસીબતે આરોપી ને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા અને આરોપીના હાજરીમાં જે ફોજદારી કેસ નંબર 4001/1995 અંકલેશ્વર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ચાલી ગયો હતો.

જો કે કોર્ટમાં કેસ ચાલુ હતો તે દરમિયાન ફરીયાદકર્તા ટી.ડી.ઓ અને તપાસ અધિકારી નું મોત નીપજ્યું હતું. પણ અગત્યના દસ્તાવેજો રેકર્ડ અને તત્કાલીન સરપંચની જુબાની અને ફરિયાદી ટી.ડી.ઓ સમક્ષ તલાટીએ કરેલી કબૂલાતનો રેકર્ડ મહત્વ પૂર્ણ બન્યો હતો. અને અંકલેશ્વર ના સરકારી વકીલ એચ.કે બ્રહ્મભટ્ટ કરેલી દલીલ અને 13 જેટલા દસ્તાવેજી પુરાવા તેમજ તત્કાલીન સરપંચ રેવા દાસ પટેલની જુબાની મહત્વપૂર્ણ બની હતી. તદુપરાંત પોલીસ અને ટી.ડી.ઓ સમક્ષ મહિજીભાઈ ગોહિલે કબૂલાત કરી હતી. જેને આધાર રાખી કરવામાં આવેલ દલીલના અંતે બનતા 30 વર્ષ અને 9 મહિના બાદ કેસનો ચુકાદો આપતા નામદાર જજ બી.એન શ્રીવાસ્તવ સાહેબે તમામ મુદ્દાઓ,લેખિત પુરાવા અને મૌખિક સાહિદોની જુબાની માન્ય રાખી નામદાર કોર્ટે સીઆરપીસી 295 (2) અન્વયે તલાટી કમ મંત્રીને દોષિત ઠેરવ્યા હતા અને ઈપીકો કલમ 409 માં એક વર્ષની સજા અને એક હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો.

અત્રે ઉલેખનીય છે. કે જે તે વખતે 1656.64 રૂપિયા ની ઉચાપત પૈકી 130 રૂપિયા જમા પણ કર્યા હતા. જે ટી.ડી.ઓ ની તપાસ અને રેકર્ડ આધારે 13-4-1994 માં કેસ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયો હતો. જે ફોજદારી કેસ નંબર 4801/1995 માં મયજીભાઈ મગનભાઈ ગોહિલ રહે.કડોદરા તા.વાગરા જી ભરૂચ નાઓને ઈપીકો કલમ 409 માં 1 વર્ષ ની સજા 1 હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો, જ્યારે ઈપીકો કલમ 406 અને 477 અ માં નિર્દોષ જાહેર કર્યા.