ડેડીયાપાડા: આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની ડેડિયાપાડા 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજના લોકપ્રિય જનનેતા ચૈતર વસાવા હાજર રહ્યા હતા. સાથે સાથે આદિવાસી સમાજના અન્ય આગેવાનો સહિત હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લોકોએ ભેગા થઈને પરંપરાગત વેશભૂષામાં શોભાયાત્રા પણ યોજી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવાએ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર લોકો સમક્ષ અને મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે આપણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી ઉજવી રહ્યા છીએ. સૌ જાણે છે કે આદિવાસી સમાજે આઝાદીની લડાઈમાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો હતો, આઝાદી બાદ પણ દેશના વિકાસમાં આદિવાસી સમાજને હંમેશા ફાળો આપ્યો છે. જ્યાં પણ ડેમ બનતા હોય કે નેશનલ હાઈવે બનતા હોય કે રેલવે સ્ટેશન બનતા હોય કે બુલેટ ટ્રેન નીકળતી હોય, આવી કોઈ પણ જગ્યા પર જ્યારે પણ જમીનની જરૂરત પડી છે ત્યારે આદિવાસી સમાજે પોતાની જમીનો આપી છે. પરંતુ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાતો આવે છે ત્યારે આદિવાસી સમાજના લોકોએ આંદોલન કરવા પડે છે. આજે પણ આદિવાસી સમાજના લોકોએ શિક્ષકો માટે, હોસ્પિટલો માટે, ડોક્ટરો માટે, સિંચાઈના અને પીવાના પાણી માટે, અને પોતાના જળ, જંગલ અને જમીનના અધિકારો માટે પણ આંદોલન કરે છે. તો અમારો સવાલ છે કે ક્યાં સુધી અમારે આંદોલનો કરવાના ?

આજે ગુજરાતના, મહારાષ્ટ્રના, મધ્યપ્રદેશના અને રાજસ્થાનના આદિવાસી આગેવાનો સાથે મળીને અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન જાહેર કર્યું છે. અમે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા અંતર્ગત હવે અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિની સાથે સાથે અમારા સામાજિક અને બંધારણીય અધિકારો માટે અમે એક જૂથ થઈને સરકાર સામે આવીશું. જો આ સરકારો અમારો વિકાસ કરવા નહીં માંગે, તો આવનારા સમયમાં દેશનું અલગ 29મુ રાજ્ય એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું અને કેવડિયાને અમારા ભીલપ્રદેશ રાજ્યની રાજધાની બનાવીશું.

અમે આજે આદિવાસી સમાજની રિઝર્વ સીટ પરથી ચૂંટાઈને જન પ્રતિનિધિ બન્યા છીએ. તો જે સમાજ એમને ચુંટીને વિધાનસભામાં મોકલ્યા છે, તે સમાજનો અમે અવાજ બનીએ છીએ. અમે સમાજને એક કરવા માટે ક્યાંય પણ પાછી પાની નહીં કરીએ. જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન સમાજ માટે સમર્પિત કરીશું અને અમારા જીવનકાળ દરમિયાન જ અમે સાથે મળીને ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને જ રહીશું એવું અમે આજે સંકલ્પ કર્યો છે.

આજે મેં યુવાનોને પણ સંદેશ આપ્યો છે કે આજે યુવાનોને તેમનું કરિયર બનાવવાનો સમય છે. મોંઘા બાઈકો લઈને, નાચવા કુદવામાં સમય ન વગાડીને યુવાનો સારું ભણે, સારું કરિયર બનાવે અને પોતાના પરિવારને સારી સુખ સુવિધા આપે, એવો અમે આજે યુવાનોને સંદેશો આપ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here