બીલીમોરા: આદિવાસી સમાજ ટ્રસ્ટ બીલીમોરા, ગણદેવી, ચીખલી દ્વારા બીલીમોરાની એન.સી.એમ.કન્યા વિધાલયનાં શિક્ષિકા શ્રીમતિ સીતાબેન બહાદુરભાઈ પટેલ તથા અશોકભાઈ નરસિંહભાઈ પટેલ જેઓ એસ.એમ.સી.સુરત ફરજ માંથી નિવૃત થતાં આદિવાસી સમાજ બીલીમોરા દ્વારા સર્વોદય આશ્રમશાળા દેવસરમાં નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો હતો. સમાજનાં પ્રમુખશ્રી કિરણભાઈ આર પટેલે સૌને આવકાર આપી સ્વાગત કર્યુ હતું.

આ કાર્યક્રમમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે કુંકણા અને ઢોડિયા ભાષામાં બોલીને સૌ બાળકોને પોતાની લોકબોલીમાં બોલવા પ્રોત્સાહિત કર્યા હતાં અને જિંદગીમા આગળ વધવા ખુબ જ મહેનતની જરૂર છે એ વિષય પર ભાર મુક્યો હતો અને પ્રેરણાદાયક ઉદાહરણો આપી બાળકોનું મનોબળ વધાર્યું હતું.સીતાબેને આશ્રમ શાળામાં રહી અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુક આપી હતી.એમણે વિધાર્થીઓને જીવનમાં મુશ્કેલીનો સામનો કરી ખૂબ આગળ વધવાની પ્રેરણા આપી હતી.સામાજીક અગ્રણીશ્રી મનુકાકાએ શિક્ષણની સાથે જીવન ઘડતરની વાતો કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન યોગેશભાઈ પટેલે તથા હિમાંશુ પટેલે કર્યુ હતું. આ કાર્યક્રમમાં સમાજનાં મંત્રીશ્રી અરુણભાઈ,ખજાનચી શ્રી કિરણભાઈ,ઉપ પ્રમુખ નરેશભાઈ,કારોબારી સભ્ય સંજયભાઈ,મનીષભાઈ, મુકેશભાઈ તથા તમામ સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામના તબિબ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, તેમના ધર્મપત્ની ડો.દિવ્યાંગી નિરવ પટેલ, સ્થાનિક સામાજીક અગ્રણી મનુભાઈ પટેલ, કુકણા સમાજનાં પ્રમુખ શંકરભાઇ, નાયકા સમાજનાં પ્રમુખ શંકરભાઇ, હળપતિ સમાજનાં પ્રમુખ સુમનભાઈ તલાવીયા,ધોડિયા સમાજનાં પ્રમુખ મુકેશભાઈ હાજર રહ્યાં હતા અને કન્યા વિધાલયનાં સહકર્મચારીઓ હાજર રહ્યાં હતા.