સુરતઃ ભારતીય હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઇને મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને તમામ જિલ્લા કલેકટરશ્રી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. જેમાં સુરત જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી સહિતના ઉચ્ચ અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા.

સુરત જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને અનુલક્ષીને તમામ તકેદારીના આવશ્યક પગલા લેવા સબંધિત વિભાગના અધિકારીઓને મુખ્ય સચિવશ્રીએ સૂચના આપી હતી. આગાહીને અનુલક્ષીને કોઈ વ્યકિત નદીમાં જાય નહી, જ્યાં પણ કોઝ-વે કે રોડ ઓવર ટોપીંગ હોય તે અંગેની સૂચનાઓ પ્રસારિત કરી ચેતવણી અંગેના બોર્ડ લગાવી બેરીકેડ રાખી ત્યાં રાઉન્ડ ધી કલોક પોલીસ બંદોબસ્ત રાખી કોઇ વ્યકિત પાણીના વહેણ સુધી ન જાય તેની તકેદારી રાખવી, વહીવટીતંત્રને સાવચેત રાખવું, જરૂર પડે નીચાણવાળા વિસ્તારમાંથી અસરગ્રસ્તોને સ્થળાંતરિત કરવા, ઇમરજન્સી સેવા કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી સાથે સંકળાયેલા લોકો ફરજ પર હાજર રહે અને હેડકવાર્ટર ન છોડે તેની તકેદારી રાખવા તાકીદ કરી હતી.

મુખ્ય સચિવશ્રીએ જે જિલ્લાઓમાં જે વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય તેને આઇડેન્ટિફાય કરી તેના નિકાલના લાંબા ગાળાના ઉપાયો માટે જિલ્લા કક્ષાની વોટર લોગીંગ મોનિટરીંગ સમિતિમાં રજૂ કરવા, હવામાન વિભાગની ચેતવણીઓ તમામ લોકો સુધી પહોંચે તે રીતે પ્રસારિત કરવા, હાલમાં ધાર્મિક ઉત્સવો અને રજાઓના માહોલમાં ભારે વરસાદ સમયે મંદિરમાં દર્શનાર્થે જતાં લોકો અને મેળા- ઉત્સવોના કામે જયાં માણસો વઘુ સંખ્યામાં એકત્ર થતાં હોય કે પરિવહન કરતાં હોઈ ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા કહ્યું હતું. હજીરા અને ભાવનગર વચ્ચે ચાલતી રો-રો ફેરી સર્વિસ અંગે સાવચેતીના પગલાં લેવા તથા જરૂર જણાયે બંધ રાખવા ઉપરાંત તમામ લાઇન ડિપાર્ટમેન્ટ સાથે અધિકારી-કર્મચારીઓએ સંકલન રાખવા અને તકેદારીના આવશ્યક પગલાઓ લેવા સૂચના આપી હોવાનું નિવાસી અધિક કલેકટર-સુરતની યાદીમાં જણાવાયું છે.