વલસાડ: ‘વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી, પશુ છે પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ…’ ઉમાશંકર જોશીની આ પંક્તિ પર્યાવરણની સમજ આપે છે ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસે પુસ્તક પરબ વલસાડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પુસ્તક પરબ વલસાડ જાહેર જનતા માટે નિ:શુલ્ક પુસ્તકની આપ લે તો કરે જ છે સાથે અન્ય સામાજિક કાર્યો નિસબતપૂર્વક કરી રહી છે. આજે રેલ્વે વિભાગ વલસાડ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં ડૉ. મનોજ બરહાટ (રેલ્વે એરિયા મેનેજર, વલસાડ), શ્રી આર.સી.મીના ( રેલ્વે અધીક્ષક), શ્રી અનિલ બારીયા ( ચીફ હેલ્થ ઈન્સ.), શ્રી રામચંદ્ર શર્મા (કોમર્શિયલ ઈન્સ.) શ્રી અજય પાલ (કોમર્શિયલ સુપ્રિ.), અશફાક શેખ (સામાજિક કાર્યકર્તા) તથા રેલ્વે સલાહકાર સમિતિના સભ્ય દિનેશ ભાનુશાલી , કેતન શાહ તથા રેલ્વે પોલીસ GRP તેમજ અન્ય લોકોની ઉપસ્થિતિમાં પુસ્તક પરબ વલસાડના પ્રોજેક્ટ ચેરપર્સન આશા ગોહિલ , દીપ જયેશકુમાર ચૌહાણ, હાર્દિક પટેલ, સુનિતા ઢીમર, અર્ચના ચૌહાણ ,જયંતીભાઈ મિસ્ત્રી તથા દેવરાજ કરડાણીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ વૃક્ષારોપણમાં Decision News ને મળેલી વિગતો મુજબ જશુબેન આહિરની મદદ પણ મળી રહી. શ્રી નીલમભાઈ પટેલ (ખોબા) દ્વારા વિવિધ પ્રકારના રોપાંઓ જેવાં કે આસોપાલવ, પીપળો, કદંબ, બદામ, લીમડો, સપ્ત, આસોપાલવ ઇત્યાદિ 40 જેટલાં રોપાં મેળવી આપવામાં મદદ મળી રહી. શરૂઆતમાં સૌએ પર્યાવરણ જાળવણી અંગે શપથ ગ્રહણ કર્યા બાદમાં વૃક્ષારોપણ કર્યું હતું.











