બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય વ્યવસાય પશુ પાલન અને ખેતી છે. ત્યારે એશિયાની નંબર વન બનાસડેરી થકી હજારો મહિલાઓ દૂધના વ્યવસાય થકી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી રહી છે. બનાસડેરીના સ્થાપક સ્વર્ગીય ગલબાકાકા નું સપનું હતું કે બનાસકાંઠા જિલ્લાની દરેક સમાજની મહિલાઓ દાતરડાના હાથા પર પોતાના પરિવારનું ભરણ પોષણ કરે તે હેતુથી વર્ષો પહેલા બનાસડેરીની સ્થાપના કરી હતી. જે બનાસડેરીથી આજે હજારો ઘરોમાં ખુશી જોવા મળી રહી છે.
આજે એક બનાસકાંઠાના નગાણા ગામમાં રહેતા એક એવા મહિલા વિષે વાત કરવી છે જેઓ ગત વર્ષમાં બનાસડેરીમાં દૂધ ભરાવવામાં અવ્વલ રહ્યા છે. આવો મળીને એમની પાસે જ જાણીએ એમની સફળતાની વાતો નવલબેન દલસંગભાઈ ચૌધરી પાસેથી
નવલબેનનું કહેવું છે કે તેમણે માત્ર ૧૫ જેટલા પશુઓથી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરી હતી. પેટ પર પાટા બાંધી પોતાના ચાર નાના બાળકોની માવજત સાથે રાત દિવસ કામ કરી આજે નવલબેન આ મંજિલ પર પહોંચ્યા છે. અને આજે તેમની પાસે ૧૫૦ જેટલા પશુઓ છે. ૬૫ વર્ષની ઉંમરે હાલમાં પણ દિવસના ૧૦ કલાક કરતા પણ વધુ કામ કરે છે. નવલબેન ચૌધરી એક દિવસમાં ૮૦૦ થી ૧૦૦૦ લિટર જેટલું દૂધ મંડળીમાં ભરાવે છે. ૧૫ દિવસે ૪ થી ૫ લાખ રૂપિયાની આવક તેમના ખાતામાં જમા થાય છે. જેમાં ખર્ચને બાદ કરતાં તેઓ ૨ લાખ જેટલી બચત હાલમાં મેળવે છે.
છેલ્લા એક વર્ષથી સતત નવલબેને રોજનો ૧૦૦૦ લિટર દૂધ ભરાવી એક જ વર્ષમાં ૮૭ લાખ રૂપિયાની આવક મેળવી છે. બનાસ ડેરીમાં એક વર્ષમાં સૌથી વધુ દૂધ ભરાવી લાખોની કમાણી કરતી આ મહિલાને સૌથી વધુ દૂધ ભરાવવાનો એવોર્ડ મળતા અને અવ્વલ નંબરે આવતા તેમણે ખુશી વ્યક્ત કરી છે. અને સાથે જ હજુ પણ વધુ પશુઓ લાવી આગામી સમયમાં પણ તેઓ પશુપાલન વ્યવસાયમાં અવ્વલ રહેવા માગે છે.
ગરીબ કુટુંબમાંથી આવતા નવલબેન દલસંગભાઈ ચૌધરી પાસે આજે નવલબેન પાસે ૧૨૦ દુધાળા પશુ સહિત ૧૫૦ જેટલા પશુઓ છે. ટેકનોલોજીના જમાનામાં અદ્યતન ટેકનોલોજીથી પશુપાલનનો વ્યવસાય કરી આજે બનાસકાંઠામા સૌથી વધુ દૂધ ભરાવી રહ્યા છે. પશુપાલનનો વ્યવસાય શરૂ કરનાર નવલબેન પાસે આજે ૧૦ થી વધુ લોકો કામ કરે છે. નવલ બેન પોતે અભણ હોવા છતાં બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી અને પોતાની દીર્ઘદ્રષ્ટિનો પરિચય આ સ્વમાની મહિલાએ આપ્યો છે. બનાસડેરી દ્વારા એવોર્ડ પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. નવલબેન પોતાના પતિ દલસંગભાઈ સાથે છેલ્લા કેટલાય વર્ષોથી પશુપાલનનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલવવા સહિત નવલબેનએ નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડી રહ્યા છે.