કપરાડા: કપરાડાના ખરેડી અને મોટી વહિયાળ ખાતે ભારત સરકારના રેલવે અને ટેક્સટાઇલ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો યોજાયા હતા. સંકલ્પ યાત્રા રથનું મંત્રીશ્રીએ પૂજા વિધિ સાથે સ્વાગત કરી ઉપસ્થિત સૌએ વિકસિત ભારતના શપથ લીધા હતા. ગ્રામીણ કક્ષાએ અને ટ્રાઇબલ તાલુકામાં વધારાની પાંચ યોજનાઓ મળી કુલ ૧૭ યોજનાની માહિતી ૧૦ સ્ટોલ દ્વારા નાગરિકોને આપવામાં આવી હતી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી પણ કરવામાં આવી હતી.
સોલારનો ઉપયોગ, પ્રાકૃતિક ખેતી, આવાસ યોજના, પીએમજેએવાય, જન ઔષધી યોજના, અન્ન સહાય યોજના, ઉજ્જવલા યોજના, સગર્ભા માતા અને બાળકો માટે પૌષ્ટિક આહાર, આદિવાસી બાંધવોને જમીનના હકકો, એકલવ્ય સ્કૂલ, સિકલસેલની તપાસ અને નલ સે જલ સહિતની યોજના વિશે માહિતી આ યાત્રા કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરીએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી સશક્ત ભારત, મજબૂત ભારતનો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું.
ખરેડી ગામે 257 પુરૂષ અને 238 મહિલા મળી કુલ 495 જ્યારે મોટી વહીયાળ ગામમાં 267 પુરૂષ અને 234 મહિલા મળી કુલ 501 લાભાર્થીએ સ્થળ પર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો. ખરેડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ખેતીથી મળતા લાભો તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી અને રાસાયણિક પદાર્થોથી જમીનને થતા નુકશાનને પ્રદર્શિત કરતી ધરતી કહે પુકાર કે… નાટિકા રજૂ કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ગુલાબ રાઉત, ખરેડી ગામના સરપંચ હિતેશ પટેલ, મોટી વહિયાળ ગામના સરપંચ સુશીલાબેન ભાવર, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, સંગઠન મંત્રીઓ સર્વ મંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી એચ.એસ.બારોટ, કપરાડાના મામલતદાર ડી. આર. શાહ, તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ વિભાગના અધિકારી- કર્મચારીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.











