સુરત: નકલી પોલીસ, બનાવટી કલેક્ટર બાદ હવે નકલી નાયબ કલેક્ટર બારડોલીના બાબેન ગામની બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી નેહા પટેલ ઝડપાઇ માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે કરી ઠગાઈનું કારસ્તાન કર્યું.
Decision News ને મળેલી વિગતો મુજબ માંડવીના તારાપુર ખાતે રહેતા વૃદ્ધ ખેડૂત રામુભાઈ દેવજીભાઈ ચૌધરી 2007માં સરકારી નોકરીમાંથી નિવૃત થયા હતા. ખેડૂત રામુભાઈની ઓળખાણ જેતે સમયે નેહા પટેલ સાથે થઈ હતી અને તે દરમિયાન નેહા પટેલે પોતે નાયબ કલેક્ટર હોવાની ઓળખ આપી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ વિકાસની કામગીરી કરું છું કહી નેહા પટેલે ખેડૂતને જમીન સંપાદનમાં ટેન્ડર ભરી પૈસા રોકો તો સારું કમિશન મળવાની લાલચ આપી પ્રથમવારમાં 3 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યાર બાદ ટુકડે ટુકડે કરી 22.28 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. ખેડૂતને પોતાનું કમિશન તેમજ રકમ ન મળતા નેહા પટેલ વાતચીતમાં ગલ્લા તલ્લા તેમજ યોગ્ય ઉત્તર ન આપતા ખેડૂત પોતે ઠગાયા હોવાનું જણાયું હતું. જેથી ખેડૂત રામુભાઈ ચૌધરીએ સમગ્ર હકીકત માંડવી પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.
માંડવી પોલીસે સમગ્ર બનાવ મામલે ઠગબાજ નેહા પટેલની અટકાયત કરી નેહા પટેલની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં નેહા પટેલે પોતે ખોટી ઓળખ ઉભી કરી રૂપિયા પડાવ્યા હોવાની કબૂલાત કરતા માંડવી પોલીસે નેહા પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

