વાપી: વલસાડના વાપી તાલુકાના કરાયા ગામ ખાતે ખેડૂતોને ઉત્પાદનની સારી કિંમત, સારી ગુણવત્તાના બિયારણ, તકનીકી સહાય, તાલીમ અને કૃષિ વિસ્તરણ સહાય મળી રહે એ માટે વાપી કૃષિ વિકાસ ખેડૂત ઉત્પાદક કંપની લિ.ના ખેડૂત સેવા કેન્દ્રનો કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે પ્રારંભ કરાયો છે.
ખેડૂત સેવા કેન્દ્રની રચના કેન્દ્ર સરકારની યોજનાઓના સમર્થન હેઠળ કરવામાં આવી છે. જે ખાસ કરીને ૧૦ હજાર ખેડૂત ઉત્પાદક સંગઠનને સમર્પિત છે અને 3 વર્ષની મુદત માટે સરકારની સહાયતા સાથે દેશમાં રચવામાં આવશે. એક અમલીકરણ એજન્સી તરીકે કાર્યરત કૃષિ વિકાસ ગ્રામીણ શિક્ષણ સંસ્થા આ પ્રોજેક્ટ હેઠળ ઉત્પાદન માર્કેટિંગ, ક્ષેત્રીય સ્તરે કૃષિ વિસ્તરણ અને ખેડૂતોની તાલીમ માટે જરૂરી સહાય પૂરી પાડે છે.
આ પ્રસંગે સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ સહિત જિલ્લા ખેતીવાડી અધિકારી અરૂણ ગરાસિયા, નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક ગૌરવ કુમાર, અને કૃષિ વિકાસ પ્રોજેક્ટ સંયોજક રોહિત ધોળી હાજર રહી માર્ગદર્શન અને માહિતી પૂરી પાડી હતી. વધુમાં વધુ ખેડૂતોને કંપનીનો ભાગ બનવા અને યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. શેરહોલ્ડર તરીકે આ કંપનીનો ભાગ બની ખેડૂતોને ઉત્પાદનની સારી કિંમત, સારી ગુણવત્તાના બિયારણ, તકનીકી સહાય, તાલીમ અને કૃષિ વિસ્તરણ સહાય મળશે. લાંબા ગાળે મૂલ્યવર્ધન અને પ્રક્રિયા માટે વિવિધ યોજનાઓનો લાભ પણ લઈ શકશે.

